Gujarat

પોલીસ તંત્રને કામે લગાડવાનો કારસો? ગુજરાતમાં એક બાદ એક 4 કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

By GS TEAM
17 Feb 20264 mins read
TukuTouch Logo
સંસ્કારી નગરી વડોદરામાં છેલ્લા બે દિવસથી અજાણ્યા તત્ત્વો દ્વારા ઈમેઇલ મારફતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ આપવાનો સિલસિલો યથાવત્ છે. ગઈકાલે શહેરની જાણીતી શાળાઓને નિશાન બનાવ્યા બાદ, આજે મંગળવારે સવારે વડોદરાની દિવાળીપુરા સ્થિત જિલ્લા અદાલતને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો ઈમેઇલ મળતાં પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

પોલીસ તંત્રને કામે લગાડવાનો કારસો? ગુજરાતમાં એક બાદ એક 4 કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી


Vadodara News : સંસ્કારી નગરી વડોદરામાં છેલ્લા બે દિવસથી અજાણ્યા તત્ત્વો દ્વારા ઈમેઇલ મારફતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ આપવાનો સિલસિલો યથાવત્ છે. ગઈકાલે શહેરની જાણીતી શાળાઓને નિશાન બનાવ્યા બાદ, આજે મંગળવારે સવારે વડોદરાની દિવાળીપુરા સ્થિત જિલ્લા અદાલતને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો ઈમેઇલ મળતાં પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.

કોર્ટ પરિસરમાં કિલ્લેબંધી અને સર્ચ ઓપરેશન

ધમકીની જાણ થતા જ પોલીસનો કાફલો, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDS) અને ડોગ સ્ક્વોડ સાથે દિવાળીપુરા કોર્ટ ખાતે પહોંચી ગયા હતા. પોલીસ પહોંચે તે પહેલા સાવચેતીના ભાગરૂપે કોર્ટના મેન એન્ટ્રી ગેટ બંધ કરી દેવામાં આવ્યો હતો. લોકોની અવરજવર પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા સમગ્ર કોર્ટ પરિસરમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. અકોટા પોલીસ સ્ટેશનના પી.આઇ.એ જણાવ્યું હતું કે, "અમને ઈમેઇલ દ્વારા ધમકી મળી હોવાની માહિતી મળતાં જ અમે સ્થળ પર પહોંચ્યા છીએ અને સુરક્ષાના તમામ માપદંડો સાથે તપાસ કરી રહ્યા છીએ."

ગઈકાલે શાળાઓને મળી હતી ધમકી

ઉલ્લેખનીય છે કે, ગઈકાલે સોમવારે વડોદરાની અનેક નામાંકિત શાળાઓને પણ આ પ્રકારે બોમ્બથી ઉડાવી દેવાના ઈમેઇલ મળ્યા હતા. આખો દિવસ પોલીસ શાળાઓમાં તપાસ કરતી રહી હતી, પરંતુ તપાસના અંતે કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નહોતી. મોડી સાંજે કારેલીબાગ વિસ્તારની બ્રાઇટ સ્કૂલને પણ આવો જ ધમકીભર્યો મેસેજ મળતાં વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.

આ પણ વાંચો :સ્કૂલોને ધમકીનું ખાલિસ્તાની કનેક્શન..મોદી-શાહનો ઉલ્લેખ..લખ્યું Bomb Bast Baroda Schools @1.11

તંત્ર માટે પડકારરૂપ સ્થિતિ

એક પછી એક સંસ્થાઓને મળી રહેલી આ ધમકીઓને પગલે વડોદરા પોલીસ એક્શન મોડમાં છે. સાયબર ક્રાઇમની ટીમ આ ઈમેઇલ ક્યાંથી આવ્યો અને તેની પાછળ કોનો હાથ છે તે દિશામાં તપાસ કરી રહી છે. પ્રાથમિક દૃષ્ટિએ આ કોઈની મજાક અથવા શહેરની શાંતિ ડહોળવાનો પ્રયાસ હોવાનું જણાય છે, પરંતુ પોલીસ કોઈ પણ પ્રકારનું જોખમ લેવા માંગતી નથી.

હાલમાં કોર્ટ પરિસરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને દરેક ખૂણે તપાસ કરવામાં આવી રહી છે. વારંવાર મળતી આ ધમકીઓને કારણે શહેરીજનોમાં ચિંતા અને ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે.

જૂની હાઇકોર્ટ, ગાંધીનગર તથા વલસાડ કોર્ટને પણ ધમકી

અત્રે ઉલ્લેખનીય છે કે, જે પ્રકારે ગઈકાલે શાળાઓને તબક્કાવાર એક પછી એક ઈમેઇલ મળી રહ્યા હતા તે પ્રકારે આજે કોર્ટ મામલે પણ એક પછી એક તબક્કાવાર ઈમેઇલ મળવા લાગ્યા હતા. વડોદરાની કોર્ટ બાદ અમદાવાદમાં આવેલી જૂની હાઇકોર્ટ ઉપરાંત ગાંધીનગર તથા વલસાડની કોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. જેના પગલે તમામ સ્થળે પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. ડોગસ્કવોર્ડ, BDDS (બોમ્બ ડિટેક્શન ઍન્ડ ડિસ્પોઝલ સ્કવૉર્ડ), સ્થાનિક પોલીસ ઉપરાંત પણ આસપાસના પોલીસ સ્ટેશનના જવાનોનો પહેરો ગોઠવી દેવાયો હતો. ઉપરોક્ત તમામ કોર્ટ સંકુલોમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સર્ચ ઓપરેશનમાં બાધા ન આવે તે માટે તમામ કોર્ટ સંકુલોને ખાલી કરાવીને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. 


(ગાંધીનગર કોર્ટ ખાલી કરાવાયા બાદના દૃશ્યો)

ખાલિસ્તાનીઓ દ્વારા કથિત ઈમેઇલ કરાયો

અમદાવાદમાં અગાઉ ક્રિકેટ સ્ટેડિયમ, કોર્ટ, ઍરપોર્ટ અને સ્કૂલને બોંબથી ઉડાવી દેવાની ધમકી આપતાં ઈમેઇલ મળી ચૂક્યા છે. જેમાં મોટા ભાગની સ્કૂલને ઈમેઇલ ખાલિસ્તાનના નામે કરવામાં આવ્યા છે. ત્યારે સોમવારે અમદાવાદની 19, વડોદરાની 22 સ્કૂલોમાં બોંબ મૂકાયાનો ઈમેઇલ મળતા અફરા તફરી મચી ગઈ છે. સ્થાનિક પોલીસ, બોંબ ડીસ્પોઝલ સ્કવૉર્ડ દ્વારા તપાસ કરવામાં આવતા કોઈ વાંધાજનક ચીજવસ્તુઓ ન મળતા તંત્રએ રાહત અનુભવી હતી. આ ઈમેઇલ પણ અગાઉની માફક ખોટી ધમકી સાબિત થયા હતા. જો કે તમામ ઈમેઇલ ભારત બહારના આઇપી એડ્રેસથી આવ્યા હોવાથી તેને ટ્રેક કરવા હાલ પોલીસ માટે મુશ્કેલ છે. જે અંગે હાલ સાયબર ક્રાઇમ સેલ દ્વારા તપાસ શરુ કરવામાં આવી છે. 

અમદાવાદ પોલીસને સવારે ભાગદોડ

અમદાવાદમાં સોમવારે સવારે શાળાઓ નિત્યક્રમ અનુસાર શરુ થઈ હતી. ત્યારે શહેરની આંબાવાડી, પાલડી, ઘોડાસર, નારણપુરા, બાપુનગર, મેઘાણીનગર સહિતના વિસ્તારોમાં આવેલી આશરે 19 જેટલી શાળાઓને સત્તાવાર ઈમેઇલ આઇડી પર અજાણ્યા ઈમેઇલ આઇડી પરથી ખાલિસ્તાનના નામે ઈમેઇલ આવ્યો હતો. જેમાં અમદાવાદની સ્કૂલમાં બોંબ બ્લાસ્ટ થશે અને કાર બોંબથી ધમાકા થશે તેવું લખાણ લખેલું હતું. આ ઈમેઇલ મળતાં શાળાના સંચાલકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. તત્કાલ પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવતાં સ્થાનિક પોલીસ અને વિવિધ બોંબ ડિસ્પોઝલ સ્કવૉર્ડ, ડોગ સ્કવૉર્ડની મદદથી તમામ 19 શાળામાં તપાસ કરવામાં આવી હતી. 

કોઈ વાંધાજનક ચીજવસ્તુ મળી નહીં

જો કે કોઈ વાંધાજનક ચીજવસ્તુઓ મળી નહોતી. તેમ છતાં પણ સતર્કતાના ભાગરૂપે મોટા ભાગની શાળાઓમાં રજા જાહેર કરી દેવાઈ હતી. જ્યારે કેટલીક શાળામાં વાલીઓ પણ પોતાના સંતાનોને લેવા દોડી આવ્યા હતા. ખાલિસ્તાનના નામે ઈમેઇલ કરીને ધમકી અફવાનો સીલસીલો સતત ચાલી રહ્યો છે. પોલીસ તપાસ કરતાં તમામ ઈમેઇલ વિદેશથી આવ્યા હોવાનું સામે આવ્યું છે. હાલ તો સમગ્ર મામલે વિગતે તપાસ આદરવામાં આવી છે.