આંબાના ઝાડ ઉપર શ્રમિક યુવાનનો ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળ્યો

રાયસણમાં આવેલા ફાર્મ હાઉસમાં
હત્યાની આશંકા વચ્ચે પોલીસે વિશેરા એફએસએલમાં મોકલ્યા : નવ દિવસ અગાઉ ઉ.પ્રદેશથી આવ્યો હતો
આ ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ગાંધીનગર શહેર નજીક આવેલા રાયસણમાં સ્વામિનારાયણ સ્કૂલની સામે આવેલી ટેક્સાસ રિપોર્સ નામની બાંધકામ સાઈટ ઉપર નવ દિવસ અગાઉ ઉત્તર પ્રદેશના બરેલીનો યુવાન જગદેવ સહદેવભાઈ પાસવાન મજૂરી અર્થે આવ્યો હતો તે તેના સંબંધી સાથે રહીને અહીં મજૂરી કામ કરતો હતો. દરમિયાનમાં ગઈકાલે રાત્રે તે આ મજૂર કોલોની માંથી ગાયબ થયા બાદ આજે સવારના સમયે તેનો સાઈડની નજીકમાં આવેલી આંબાવાડી ફાર્મમાં આંબાના ઝાડ સાથે લટકતી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. જેના પગલે શ્રમજીવી પરિવારોમાં દોડધામ મચી ગઈ હતી અને આ ઘટના અંગે ઇન્ફોસિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી. જોકે યુવાનના પાછળના ભાગે બંને હાથ લાલ કપડાથી બાંધેલા હોવાથી હત્યાની આશંકા સેવવામાં આવી છે.
પોલીસ દ્વારા તેના મૃતદેહને નીચે ઉતારીને પોસ્ટમોર્ટમ માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યો હતો. જ્યાં પ્રાથમિક તપાસમાં ગળે ટૂંપો થવાને કારણે મોત થયું હોવાનું બહાર આવ્યું છે. તેમછતાં પોલીસ દ્વારા તેના નખ સહિતની સેમ્પલ લઈને વિશેરા તપાસ માટે એફએસએલમાં મોકલી આપવામાં આવ્યા છે અને તેના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવશે. હાલ પોલીસે આ અંગે અકસ્માતે મોત દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી હતી.








