Surat : લોકસભાની ચુંટણીમાં કુંભાણી કાંડ થયો હતો તેવી આશંકા સાથે સુરત કોંગ્રેસે પોતાના 40 થી વધુ ઉમેદવારોને સેફ ઝોનમાં મુકી દીધા છે. આ ઉમેદવારોની ફરતે કાર્યકર અને સિનિયર નેતાઓનું કવચ બનાવી દીધું છે. પાલિકાની ચૂંટણીમાં પહેલીવાર કોંગ્રેસે પહેલી વખત સત્તાવાર રીતે ભાજપ ઉમેદવારોને ડરાવવા માટે પોલીસ તંત્ર અને સરકારી મશીનરીનો ઉપયોગ કરી રહી હોવાનો આક્ષેપ કર્યો છે.
ગત લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીએ કોંગ્રેસની ગેમ કરી દીધી હતી અને કોંગ્રેસના નેતાઓને ભ્રમમાં રાખી પોતાનું ફોર્મ પાછું ખેંચી લીધું હતું. જેના કારણે ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ જાહેર થયા હતા. નિલેશ કુંભાણી જેવા દૂધથી દાઝેલા કોંગ્રેસ હવે પાલિકાના ઉમેદવારો સાથે કુંભાણીવાળી ન થાય તે માટે સુરત કોંગ્રેસ સફાળી જાગી ગઈ છે અને હવે પાલિકાની ચૂંટણી લડતા માટે ફોર્મ ભરેલા કોંગ્રેસના 40થી વધુ ઉમેદવારો આસપાસ કાર્યકરો અને નેતાઓની દિવાલ બનાવી દીધી છે.
પાલિકાની ચૂંટણીમાં પહેલીવાર કોંગ્રેસ ભાજપ સામે ખુલીને બહાર આવ્યું છે. કોંગ્રેસના પ્રમુખ વિપુલ ઉધનાવાલાએ કહ્યું હતું કે, સુરત અને ગુજરાતમાં ભાજપે જે શાસન કર્યું છે તેમાં ભારે ભ્રષ્ટાચાર થયો છે, જેના કારણે લોકો ત્રાહિમામ થઈ ગયા છે અને આગામી ચૂંટણીમાં લોકો ભાજપ વિરુદ્ધ મતદાન કરવા માટે તૈયાર છે. જેના કારણે ભાજપ બોખલાઈ ગઈ છે અને ભાજપ સામે ચૂંટણી લડવા માંગતા ઉમેદવારોને બેસાડવા માટેની પ્રવૃત્તિ ભાજપ સરકારી મશીનરીનો ભરપૂર ઉપયોગ કરી રહી છે.
તેઓએ સુરત એસ.ઓ.જી ના અધિકારીઓ સામે ગંભીર આક્ષેપ કરતા કહ્યું હતું, કે આ પોલીસ અધિકારી તેમની ફોર્સ સાદા કપડામાં લઈ પહોંચી જાય છે. મોટા ગુનેગાર, બુટલેગર કે ડ્રગ્સ ડીલરને પકડવાને બદલે ભાજપ સામે ચૂંટણી લડી રહ્યા છે તેવા ઉમેદવારોને ડરાવવાનો પ્રયાસ કરી રહી છે. વધુ આક્ષેપ કરતા કહ્યું હતું કે, સુરતની એસ.ઓ.જી. ભાજપ સામે ચૂંટણી લડવા માટે ઉભા રહેલા ઉમેદવારોના ફોર્મ પાછા ખેંચાવવા માટે ધમકાવવાની કામગીરી કરી રહ્યાં છે આ વિભાગ સાદા ડ્રેસમાં ખાનગી વાહનોમાં ફરી ઉમેદવારોની રેકી કરી રહ્યાં છે અને ધમકાવી રહ્યાં છે તેની સામે ચૂંટણી પંચ પણ કોઈ પગલાં લેતું નથી. ત્રણ વર્ષ કે તેથી વધુ સમય એક જગ્યાએ થયા હોય તેવા બધાની બદલી કરી દેવામાં આવી છે પરંતુ પરંતુ આ અધિકારીઓની બદલી કરતા નથી કારણ આ અધિકારીઓ સરકારના ઈશારે ઉમેદવારોને ડરાવી શાસક પક્ષને જીતાડવા માટે નું કામ કરી રહી છે.
તેઓએ કહ્યું હતું કે, પોલીસની આવી ઉમેદવારોને ડરાવવાની મોડસ ઓપરેન્ડી સામે કોંગ્રેસ એક જૂથ થઈ ગઈ છે. પાલિકાની ચૂંટણી લડતા ઉમેદવારો સાથે સિનિયર આગેવાનો અને અન્ય કાર્યકરો સાથે રહી રક્ષણ પુરુ પાડી રહ્યા છે તેથી અમને કોઈ ડર નથી. અમારા તમામ ઉમેદવાર સલામત છે તેવો દાવો પણ તેઓએ કર્યો હતો.


