Get The App

આવું તો ભાજપમાં જ બને... વ્યારામાં કોંગ્રેસી નેતાએ બપોરે ખેસ પહેર્યો અને સાંજે ટિકિટ મળી ગઈ

Updated: Apr 11th, 2026

GS TEAM

Google News
Google News
આવું તો ભાજપમાં જ બને... વ્યારામાં કોંગ્રેસી નેતાએ બપોરે ખેસ પહેર્યો અને સાંજે ટિકિટ મળી ગઈ 1 - image


BJP Ticket Row In Vyara: તાપી જિલ્લા ભાજપે વ્યારા નગરપાલિકા, જિલ્લા પંચાયત અને આઠ તાલુકા પંચાયતની કુલ 188 બેઠકો માટે ઉમેદવારોના નામો જાહેર કર્યાં છે. વ્યારા નગરમાં બપોરે પાર્ટીનો ખેસ પહેરનાર કોંગ્રેસી નેતાને ટિકિટ મળતા ભાજપના મૂળ કાર્યકરોમાં રોષ જોવા મળ્યો છે.

જુનાને કાપી નવાને ટિકિટ

વ્યારા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે અનેક સભ્યોની ટિકિટ કાપી નવાને ટિકિટ આપી છે. જોકે, પાયાના કાર્યકરોને સાઈડ કરી પાલિકાના માજી વિપક્ષના નેતા એવા કોંગ્રેસના આગેવાન નીરવ અધ્વર્યુએ ગત શનિવારે બપોરે જ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો અને સાંજે તો વોર્ડ નં. 1માંથી ટિકિટ ફાળવી દેવામાં આવી હતી. તો કેટલાક સભ્યોએ ફરી ટિકિટ માંગી હતી. પરંતુ તેઓને સાઈડલાઈન કરીને બહારથી ઉમેદવાર ઉતારતા નગરમાં ચર્ચાનો વિષય બન્યો છે. 

આ પણ વાંચો: સ્થાનિક સ્વરાજની ચૂંટણી : કોંગ્રેસે મોડી રાતે અમદાવાદ મનપા માટે 132 ઉમેદવારો જાહેર કર્યા

ચાલુ ટર્મમાં પક્ષાંતર કરી કોંગ્રેસમાંથી આવેલા દિલીપ જાદવ અને દ્રષ્ટી અલમૌલાને પણ ટિકિટ આપી છે. વોર્ડ નં. 2માંથી ચૂંટાયેલા પ્રીતિબેન ગામીતના ભાઈ આશિષ ગામીતને ટિકિટ મળી છે. વોર્ડ નં.6માંથી ચૂંટાયેલા પ્રીતિબેન શાહની વહુ ડૉ. પ્રિયા પટેલને વોર્ડ નં.3માંથી, તો વોર્ડ નં. 6માંથી જ ચૂંટાયેલા પરેશ મીઠાવાલાના પત્ની દીપ્તીબેન શાહ (મીઠાવાલા)ને પણ ટિકિટ મળતા પરિવારવાદ પણ હાવી થયો હોય એવું લાગે છે. હાલ તો ભાજપમાંથી ટિકિટ કપાતા અનેકના ચહેરા ઉતરી ગયા છે. રહી ગયેલા ટિકિટ વાંછુઓ ગત ચૂંટણીની જેમ ફરી અપક્ષ દાવેદારો કરે છે કે કેમ? તેના પર સૌની મીટ મંડાઈ છે.