સુરતમાં ભાજપને રેકર્ડ બ્રેક 115 બેઠક મળી પણ બોર્ડ બનાવવા માટે 10 થી 15 દિવસ રાહ જોવી પડશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat Corporation: સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે રેકોર્ડબ્રેક 115 બેઠકો જીતી ઐતિહાસિક વિજય મેળવ્યો છે. મતગણતરીમાં એકતરફી પરિણામ આવ્યા બાદ હવે પાલિકામાં ફરી કમળનું શાસન નિશ્ચિત બન્યું છે, પરંતુ સત્તાવાર રીતે બોર્ડ રચાય તે માટે ભાજપને હજી 10 થી 15 દિવસ સુધી રાહ જોવી પડી શકે છે. સરકાર ગેઝેટની પ્રક્રિયા કેટલા દિવસમાં પુરી કરે છે તેના પર સુરતની બોર્ડની સમય મર્યાદા નક્કી થશે.
સુરત પાલિકાની ચૂંટણી પરિણામ જાહેર થયા બાદ હવે સમગ્ર પ્રક્રિયાનો અગત્યનો તબક્કો ગેઝેટ પ્રકાશનનો છે. રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા સત્તાવાર ગેઝેટ બહાર પાડવામાં આવશે, ત્યારબાદ તે મ્યુનિસિપલ કમિશ્નર કચેરી સુધી મોકલાશે. કમિશનર કચેરીની ગેઝેટ સેક્રેટરીને મોકલાશે અને ત્યારબાદ સેક્રેટરી ભાજપ પ્રમુખને જાણ કરશે. ભાજપ પ્રમુખ મુર્હુત જોઈને પાલિકાને બોર્ડ માટેની તારીખ આપશે અને ત્યાર પછી બોર્ડ રચવાની તારીખ નક્કી કરવામાં આવશે.
આ વર્ષે માત્ર મહાનગરપાલિકા જ નહીં, પરંતુ નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના પરિણામો પણ એક સાથે જાહેર થયા હોવાથી ગેઝેટ પ્રક્રિયામાં થોડો સમય લાગી શકે છે. તમામ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થા માટે ગેઝેટ એક સાથે બહાર પાડવામાં આવે તેવી શક્યતા છે.
ગત વર્ષે પણ પરિણામ જાહેર થયા બાદ અંદાજે દસ દિવસ પછી ગેઝેટ બહાર પડ્યું હતું. આ વખતે સમાન પ્રક્રિયા થવાની શક્યતા હોવાથી સુરત પાલિકામાં નવા બોર્ડની રચના માટે 10 થી 15 દિવસનો સમય લાગી શકે છે. ભાજપે ઐતિહાસિક બહુમતી મેળવી લીધી છે, પરંતુ હવે સત્તાના સિંહાસન પર સત્તાવાર બેસવા માટે કાનૂની અને વહીવટી પ્રક્રિયા પૂર્ણ થવાની રાહ જોવી પડશે. સુરતની જનતા હવે નવા મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કોણ બનશે તેની ચર્ચાઓએ જોર પકડ્યું છે.
પાલિકાની ગત ચૂંટણીની વાત કરવામાં આવે તો પાલિકાની ચૂંટણી માટે મતદાન 21 ફેબ્રુઆરી 2021 ના રોજ થયું હતું અને પરિણામ 23 ફેબ્રુઆરીના રોજ થયું હતું. રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગમાંથી ગેઝેટ 4 માર્ચ 2021 ના રોજ આવ્યું હતું. જેના કારણે સુરત પાલિકાની પહેલી સામાન્ય સભા 12 માર્ચના રોજ મળી હતી.
જોકે, સુરત સહિત સમગ્ર ગુજરાતમાં ભગવો લહેરાયો છે તેના કારણે વહેલું ગેઝેટ બહાર પડે અને ઝડપથી બોર્ડ બને તેવી અટકળો શરુ થઈ છે. તેમ છતાં 10 થી 15 દિવસનો સમય લાગી શકે તેવું કહેવાય રહ્યું છે.








