નવાં કોર્પો.ના વોર્ડ નં. 1, 5, 6, 7, 8, 9, 10માં પક્ષમાંથી જ પ્રતિસ્પર્ધીઓ : ટિકિટ ન મળતાં પૂર્વ કાઉન્સિલરના પત્ની- માતાએ જાહેરમાં રકઝક કરી : મંત્રી અમૃતિયાએ પ્રદેશ કારોબારીનો હવાલો આપી માફી માગવી પડી
મોરબી, : નગરપાલિકામાંથી મહાપાલિકામાં પરિવર્તિત મોરબીમાં પહેલી જ વખત મહાપાલિકાની ચૂંટણી થઈ રહી છે ત્યારે ભાજપે અહીં સત્તા માટેની લડાઈમાં ઉતરતાં પહેલાં ટિકિટ વહેંચણીના મુદ્દે આંતરિક અસંતોષને ઠારવા ઘરમાં જ મશક્કત કરવાની નોબત આવી પડી છે. આજે વધુ 12 બળવાખોરોએ ચૂંટણીમાં ઝૂકાવ્યું એ દરમિયાન જાહેરમાં ચણભણ પણ થઈ હતી.
આજે ફોર્મ ભરવાના અંતિમ દિવસે સ્થાનિક ધારાસભ્ય અને રાજ્યના મંત્રી કાંતિ અમૃતિયા સવારે માળિયા મિયાણા ખાતે તાલુકા પંચાયત અને નગરપાલિકાના ઉમેદવારોનાં નામાંકન વેળા હાજર રહીને બપોરે તેનાં નગર મોરબી પહોંચ્યા ત્યારે તાલુકા સેવા સદન ખાતે વોર્ડ નં 06 ના પડતા મુકાયેલા પૂર્વ કાઉન્સિલર અનોપસિંહ જાડેજાના પરિવારે અમૃતિયા સાથે બોલાચાલી કરી હતી. ટિકિટ નહિ મળતાં તેનાં માતા- પત્નીએ રકઝક કરી તેના જવાબમાં અમૃતિયાએ માફી માગી હતી. નોંધનીય છે કે અનોપસિંહ ઉપરાંત તેમનાં પત્ની સીતાબાએ પણ આ વોર્ડમમાંથી અપક્ષ તરીકે ફોર્મ ભર્યું છે.
દરમિયાન, મોરબી ભાજપ આગેવાન- પૂર્વ પાલિકા પ્રમુખ દેવાભાઈ અવાડિયાના પુત્ર- ગત ટર્મના કાઉન્સિલર અમિતને ટિકિટ નહિ આપવામાં આવતાં વોર્ડ નં.1 માંથી ગત ચૂંટણી લડેલા અમિત સહિતના ચારેય પૂર્વ કાઉન્સિલરે આ વખતે ત્યાંથી જ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે.
આ ઉપરાંત, આજે ભાજપ શહેર મહિલા મોરચા પ્રમુખ અલ્પાબેન કક્કડ અને બે પૂર્વ કાઉન્સિલરોએ વોર્ડ નં. 7માં, એક ભાજપ અગ્રણીએ વોર્ડ નં. 10માં, પૂર્વ મહિલા કાઉન્સિલરે વોર્ડ નં. 8માં તેમજ સ્થાનિકે 108 તરીકે ઓળખાતા ગત ટર્મના ભાજપના કાઉન્સિલર ગિરિરાજસિંહ ઝાલાનાં પત્ની સંગીતાબાએ વોર્ડ નં. 5માં અપક્ષ ઉમેદવારી કરી છે. આ પહેલાં વોર્ડ નં. 9માં માજી સુધરાઈ પ્રમુખ લલિત કામરિયાએ તથા પૂર્વ કાઉન્સિલર નરેન્દ્ર પરમારે અપક્ષ તરીકે ફોર્મ ભર્યાં છે એ જોતાં ભાજપમાં સતત અસંતોષ જોવા મળી રહ્યો છે.


