BJP Declares Candidates for Narmada District : આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ભાજપે નર્મદા જિલ્લામાં પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. આ યાદીમાં પક્ષે શિસ્ત અને યુવાઓને પ્રાધાન્ય આપી અનેક પૂર્વ હોદ્દેદારો અને દિગ્ગજોની ટિકિટ કાપીને સૌને ચોંકાવી દીધા છે.
પંચાયત બેઠકોની સ્થિતિ
ભાજપે જિલ્લા પંચાયતની કુલ 22 બેઠકોમાંથી 21 બેઠકો પર ઉમેદવારો જાહેર કર્યા છે, જ્યારે 1 બેઠક હજુ બાકી રાખવામાં આવી છે. તેવી જ રીતે, તાલુકા પંચાયતની 102 બેઠકોમાંથી 101 બેઠકો ના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે. જિલ્લા પંચાયતની વડીયા બેઠક (અનુસૂચિત જાતિ અનામત) અને નાંદોદ તાલુકા પંચાયતની જુનારાજ (અનુસૂચિત આદિજાતિ અનામત) બેઠકના ઉમેદવારની જાહેરાત હજુ બાકી છે.
દિગ્ગજોની ટિકિટ કપાઈ, નવા ચહેરાઓને સ્થાન
ભાજપે આ વખતે '3 ટર્મથી વધુ ચૂંટણી લડનાર' ઉમેદવારોને ટિકિટ ન આપવાની કડક નીતિ અપનાવી છે, જેને કારણે અનેક મોટા માથાઓ ઘરભેગા થયા છે. જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ મનજી વસાવા અને પર્યુષા વસાવાની ટિકિટ કપાઈ છે. હાલના પ્રમુખ ભીમસિંગ તડવીને પણ આ વખતે તક અપાઈ નથી. પૂર્વ ધારાસભ્ય હર્ષદ વસાવાના સાળા અને પૂર્વ ઉપપ્રમુખ કિરણ વસાવાનું નામ પણ યાદીમાંથી ગાયબ છે. જોકે, કિરણ વસાવાના ભત્રીજા સ્મિત વસાવાને વાઘેથા તાલુકા પંચાયત બેઠક પરથી ઉમેદવાર બનાવી પક્ષે સંતુલન જાળવવાનો પ્રયત્ન કર્યો છે.
કોને મળી તક?
રસ્મિતા વસાવા (આમલેથા બેઠક): તત્કાલીન આરોગ્ય સમિતિના ચેરમેન રસ્મિતા વસાવા પર પક્ષે ફરી વિશ્વાસ મૂક્યો છે અને તેમને આમલેથા બેઠક પરથી રિપીટ કર્યા છે.
પદમબાબુ તડવી (ખડગદા બેઠક): પૂર્વ વન મંત્રી શબ્દશરણ તડવીના પિતરાઈ ભાઈ પદમબાબુ તડવીને જિલ્લા પંચાયતની ટિકિટ મળી છે. નોંધનીય છે કે તેમના પત્ની સંગીતાબેન તડવી ગત ટર્મમાં આ જ બેઠક પર સભ્ય અને ચેરમેન રહી ચૂક્યા છે.
કેવડિયા બેઠક: કેવડિયા જિલ્લા પંચાયતના હાલના સભ્ય દિનેશ તડવીના પત્ની રેખાબેન તડવીને પક્ષે ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.
વડીયા બેઠક: જિલ્લા પંચાયતની વડીયા બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત છે. આ બેઠક માટે મોટી સંખ્યામાં સક્ષમ ઉમેદવારોએ દાવેદારી કરતા મામલો ગૂંચવાતા હાલ પૂરતી જાહેરાત ટાળી દેવાઈ છે.
જુનારાજ બેઠક: નાંદોદ તાલુકા પંચાયતની જુનારાજ બેઠક અનુસૂચિત આદિજાતિ માટે અનામત છે. જે બેઠક માટે કોંગ્રેસમાંથી આવેલા સિનિયર નેતાએ હઠ પકડતા હાલ તેની જાહેરાત કરાઈ નથી. 11 એપ્રિલે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે, તો શક્યતા છે કે બાકી રહેલા ઉમેદવારોને મોડી રાત્રે જાણ કરી સવારે સીધા ફોર્મ ભરાવી દેવામાં આવે.
કેટલાકને લોટરી લાગી
તાલુકા પંચાયતની ઘણી બેઠકોમાં સ્ત્રી અનામત આવતા વર્તમાન સભ્યોના પત્નીઓને અને સ્ત્રી અનામત હટતા વર્તમાન સભ્યોના પતિદેવોને 'લોટરી' લાગી છે.
રાજપીપલા નગરપાલિકામાં પેચ ફસાયો
જિલ્લા અને તાલુકા પંચાયતની યાદી જાહેર થઈ ગઈ હોવા છતાં, રાજપીપલા નગરપાલિકાની 28 બેઠકો માટે હજુ પણ ખેંચતાણ ચાલી રહી છે. આંતરિક ગૂંચવણોને કારણે નગરપાલિકાના ઉમેદવારોની યાદી હાલ પૂરતી અટકાવી દેવામાં આવી છે.









