Gujarat

નર્મદામાં ભાજપ-કોંગ્રેસને મોટો ઝટકો: AAP ધારાસભ્ય ચૈતર વસાવાની હાજરીમાં અનેક મોટા નેતાઓનો પક્ષપલટો

By GS TEAM
21 Jun 20263 mins read
TukuTouch Logo
નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના ઉતાવળી ગામે આમ આદમી પાર્ટી દ્વારા એક વિશાળ સ્વાગત સન્માન સમારંભ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ડેડીયાપાડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવા, નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખ અંજનાબેન વસાવા અને પક્ષના જિલ્લા પ્રમુખ તેમજ પ્રદેશ સંગઠન મંત્રી નિરંજન વસાવા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

નર્મદામાં ભાજપ-કોંગ્રેસને મોટો ઝટકો: AAP ધારાસભ્ય ચૈતર વસાવાની હાજરીમાં અનેક મોટા નેતાઓનો પક્ષપલટો

Narmada News: નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના ઉતાવળી ગામે આમ આદમી પાર્ટી દ્વારા એક વિશાળ સ્વાગત સન્માન સમારંભ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ડેડીયાપાડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવા, નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખ અંજનાબેન વસાવા અને પક્ષના જિલ્લા પ્રમુખ તેમજ પ્રદેશ સંગઠન મંત્રી નિરંજન વસાવા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ રાજકીય મંચ પર ભાજપ અને કોંગ્રેસના અનેક મજબૂત સામાજિક અને સંગઠનાત્મક આગેવાનો પોતાના સમર્થકો સાથે વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાઈ જતાં સ્થાનિક રાજકારણમાં મોટો ગરમાવો આવી ગયો છે. તમામ આગેવાનોને ધારાસભ્ય ચૈતર વસાવાએ ખેસ પહેરાવીને પાર્ટીમાં આવકાર્યા હતા.

કોંગ્રેસ અને ભાજપના આ પદાધિકારીઓએ બદલ્યો પક્ષ

આ ભરતીમેળામાં મુખ્યત્વે કોંગ્રેસ પાર્ટીમાંથી ઓબીસી (OBC) જિલ્લા પ્રમુખ મહેન્દ્રભાઈ રમણભાઈ બારીયા, જલોદરાના વર્તમાન તાલુકા સદસ્ય હિરેનભાઈ ભીખાભાઈ પરમાર, તિલકવાડા કોંગ્રેસના મહામંત્રી દિલીપભાઈ જશુભાઈ બારીયા પક્ષ છોડીને આપમાં જોડાયા છે. આ ઉપરાંત ગમોડના ડેપ્યુટી સરપંચ જયદીપભાઈ બારીયા, પંચાયત સભ્ય મનીષાબેન વસાવા, યુથ પ્રમુખ મિતેશભાઈ બારીયા અને રાજપૂત સમાજના યુથ લીડર વનરાજસિંહ સોલંકી પણ કોંગ્રેસને મોટો ઝટકો આપીને આપમાં સામેલ થયા છે. બીજી તરફ શાસક પક્ષ ભાજપને પણ મોટો ફટકો પડ્યો છે. ભાજપ બક્ષીપંચ મોરચાના તાલુકા ઉપપ્રમુખ ગણપતભાઈ બારીયા, એસટી (ST) મોરચાના તાલુકા મહામંત્રી રાજેશભાઈ તડવી અને કારોબારી સભ્ય ગોપાલસિંહ માનસિંહ પણ મોટી સંખ્યામાં સમર્થકો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે.

આ પણ વાંચો : વૈભવે મેદાન ધ્રુજાવ્યું: એક પણ સિંગલ લીધા વિના અર્ધસદી, 10 ચોગ્ગા, 8 છગ્ગા... 20 વર્ષ જૂનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો

ભાજપના રાજમાં ખેડૂતો, યુવાનો અને મહિલાઓ રોડ પર: ચૈતર વસાવા

આ સફળ કાર્યક્રમ બાદ ધારાસભ્ય ચૈતર વસાવાએ મીડિયા સમક્ષ ભાજપ સરકારની નીતિઓ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, "ભાજપની છેલ્લા 30 વર્ષની શાસન વ્યવસ્થા સામે અમારી સીધી લડાઈ છે. આજે ગુજરાતના ખેડૂતો પોતાની જમીનો બચાવવા આંદોલનો કરી રહ્યા છે, રાત-દિવત મજૂરી કરવા છતાં બજારમાં પાકના પૂરતા ભાવ મળતા નથી." વધુમાં પેપર લીક મામલે આક્રોશ ઠાલવતા તેમણે કહ્યું કે, "આ સરકારના રાજમાં 24 જેટલા પેપરો ફૂટી ચૂક્યા છે અને તાજેતરમાં નીટ (NEET) નું પેપર ફૂટવાના કારણે લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમાં ધકેલાયું છે. ભાજપની નીતિઓના કારણે આજે ખેડૂતો, યુવાનો, મહિલાઓ, બેરોજગારો, આઉટસોર્સિંગના કર્મચારીઓ, ટેટ-ટાટ (TET-TAT) પાસ વિદ્યાર્થીઓ અને આશા વર્કરો સહિત તમામ વર્ગો રોડ પર આવી ગયા છે."

મંદિર-મસ્જિદની રાજનીતિ સામે અમારી બદલાવની લડાઈ

ચૈતર વસાવાએ ભાજપના ચૂંટણી એજન્ડા પર પ્રહાર કરતા ઉમેર્યું કે, "ભાજપ હંમેશા હિન્દુ-મુસ્લિમ અને મંદિર-મસ્જિદની રાજનીતિ કરીને લોકોના મત મેળવી જાય છે, પરંતુ તેની સામે અમારી રાજનીતિ સંપૂર્ણપણે બદલાવની રાજનીતિ છે." તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ વિસ્તારના લોકોના પ્રશ્નોના કાયમી નિરાકરણ માટે તમામ નવા જોડાયેલા આગેવાનોના અનુભવ અને વિશ્વાસને સાથે રાખીને નર્મદા જિલ્લામાં શ્રેષ્ઠ સેવાકીય પ્રવૃત્તિઓ આગામી દિવસોમાં તેજ કરવામાં આવશે.