Gujarat

ખાડીયા વોર્ડમાં ભાજપ-કોંગ્રેસ ટેન્શનમાં, એક સમાજના બે મહિલા ઉમેદવારો સામસામે,મત વિભાજનની વકી

By GS TEAM
19 Apr 20261 min read
ખાડીયા વોર્ડમાં ભાજપ-કોંગ્રેસ ટેન્શનમાં, એક સમાજના બે મહિલા ઉમેદવારો સામસામે,મત વિભાજનની વકી

  અમદાવાદ,શનિવાર, 18 એપ્રિલ,2026

૨૬ એપ્રિલને રવિવારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે મતદાન યોજાશે. એક સપ્તાહ પહેલા ખાડીયા વોર્ડમાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષ ટેન્શનમાં આવી ગયા છે. ભાજપની સાથે કોંગ્રેસે પણ આ વખતે નાયક સમાજના મહિલા ઉમેદવારને ટિકીટ આપી છે. આ સંજોગમાં મતદાન ઓછુ થાય તો ખાડીયામા પહેલી વખત ભાજપની પેનલ તૂટી શકે છે.

વર્ષ-૨૦૨૬માં ખાડીયા વોર્ડમાં કુલ ૭૩ હજારથી વધુ મતદારો મતદાન કરી શકશે. ૨૫ હજારથી વધુ મતદારો ઘટવા તથા અન્ય કારણોસર ભાજપના નેતાઓ દોડતા થઈ ગયા છે. ભાજપે મહિલા ઉમેદવાર તરીકે હેતલબેન નાયકને પસંદ કર્યા છે.કોંગ્રેસ તરફથી મીનાબેન નાયકને મહિલા ઉમેદવાર તરીકે ટિકીટ આપવામા આવી છે.બંને ઉમેદવારો કાલુપુરમાં એક જ વિસ્તારમા રહેતા હોવાની સાથે એક જ સમાજના છે. ભાજપસૂત્રોમાંથી મળતી માહીતી મુજબ, આ સમાજના ૭૦૦થી ૮૦૦ મતદાતા છે.એ પૈકી કેટલાક મતદાતા વોર્ડ છોડી બહાર રહેવા ચાલ્યા ગયા છે. આ પરિસ્થિતિમાં વોર્ડ બહાર ગયેલાઓને અત્યારથી જ સંપર્ક કરી મતદાન કરવા બોલાવાઈ રહયા છે. આ વખતે મતદાન કરી પછી તમે મતદારયાદીમાંથી નામ કમી કરાવજો એ પ્રકારની અપીલ પણ કરવામા આવી રહી છે.આ પાછળનુ મુખ્યકારણ ભાજપની પેનલ તૂટે નહીં એ જ છે.