Get The App

ગોંડલ અને ગણદેવીમાં ભાજપની ક્લિન સ્વિપ, ધોળકા અને વિરમગામમાં કમળ ખીલ્યું

Updated: Apr 28th, 2026

GS TEAM

Google News
Google News
Gujarat Nagarpalika Election 2026

Gujarat Nagarpalika Election 2026: દક્ષિણ ગુજરાતની ગણદેવી નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીએ વિપક્ષોના સૂપડા સાફ કરીને ભવ્ય જીત હાંસલ કરી છે. ભાજપે પાલિકાની તમામ 24 બેઠકો પર કબજો મેળવીને વિરોધ પક્ષને સદંતર પછાડ્યો છે. નોંધનીય છે કે, 24માંથી 22 બેઠકો પર તો ચૂંટણી પહેલા જ ભાજપના ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થયા હતા, જે એક રેકોર્ડ સમાન છે. બાકી રહેલી બે બેઠકો માટે થયેલા મતદાનમાં પણ ભાજપના ઉમેદવારોએ જ વિજય મેળવતા સમગ્ર પાલિકામાં ભગવો લહેરાયો છે.

વિરમગામમાં ભાજપને બહુમતી મળી

અમદાવાદ જિલ્લાની રાજકીય રીતે અત્યંત મહત્ત્વની એવી વિરમગામ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીએ બહુમતી હાંસલ કરી લીધી છે. 36 બેઠકો ધરાવતી આ પાલિકામાં ભાજપે મેજિક ફિગર એટલે કે 19 બેઠકોનો આંકડો પાર કરી લેતા સત્તામાં વાપસી નિશ્ચિત બની છે. વિરમગામમાં મતગણતરી શરૂ થાય તે પહેલા જ ભાજપની રણનીતિ સફળ રહી હતી, જેમાં 13 ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થયા હતા. આજે જ્યારે અન્ય બેઠકોની મતગણતરી હાથ ધરાઈ, ત્યારે ભાજપે વધુ 6 બેઠકો પર વિજય મેળવીને કુલ 19 બેઠકોનો આંકડો સ્પર્શી લીધો છે.

ધોળકા નગરપાલિકામાં ભાજપનો કેસરીયો

અમદાવાદ જિલ્લાની ધોળકા નગરપાલિકાની ચૂંટણીના પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીએ એકહથ્થુ શાસન સ્થાપિત કર્યું છે. 36 બેઠકો ધરાવતી આ નગરપાલિકામાં ભાજપે બહુમતીનો જાદુઈ આંકડો પાર કરી લીધો છે. ચૂંટણીની મતગણતરી શરૂ થાય તે પહેલા જ ભાજપે 11 બેઠકો પર બિનહરીફ વિજય મેળવી લીધો હતો. આજે મતગણતરી દરમિયાન વધુ 10 બેઠકો પર ભાજપના ઉમેદવારો વિજેતા જાહેર થતા, પક્ષે કુલ 21 બેઠકો સાથે સ્પષ્ટ બહુમતી મેળવી લીધી છે. હજુ પણ બાકીની બેઠકો માટે મતગણતરી ચાલુ છે, પરંતુ ભાજપે બહુમતી હાંસલ કરી લેતા કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ધોળકા નગરપાલિકા પર ફરી એકવાર ભાજપનો ભગવો લહેરાયો છે અને વિપક્ષી છાવણીમાં સન્નાટો વ્યાપી ગયો છે.

આ પણ વાંચો: ગુજરાતની જનતાએ પક્ષપલટુઓને શીખવ્યો પાઠ! AAPમાંથી ભાજપમાં આવેલા બે દિગ્ગજોનો પરાજય

ગોંડલમાં વિપક્ષનો સફાયો: ભાજપનો 44-0થી રેકોર્ડબ્રેક વિજય

ગોંડલ નગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ફરી એકવાર પોતાની પકડ સાબિત કરતા ઐતિહાસિક જીત મેળવી છે. 'ગઢ ગોંડલ'માં વિપક્ષનો સફાયો કરતા ભાજપે તમામ 11 વોર્ડની 44 બેઠકો પર પેનલ ટુ પેનલ વિજય મેળવ્યો છે. ચૂંટણી દરમિયાન થયેલા ગુંડાગીરીના આક્ષેપો અને 'મિરઝાપુર' જેવા ચર્ચિત મુદ્દાઓને પ્રજાએ નકારી કાઢ્યા છે. લોકોએ જયરાજસિંહના નેતૃત્વ અને વિકાસની નીતિમાં અતૂટ વિશ્વાસ વ્યક્ત કરીને વિરોધ પક્ષને એક પણ બેઠક જીતવા દીધી નથી.

ગોંડલ અને ગણદેવીમાં ભાજપની ક્લિન સ્વિપ, ધોળકા અને વિરમગામમાં કમળ ખીલ્યું 2 - image