- સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સર, પરીક્ષા વગેરે કારણોસર પાછી ઠેલાઈ
- મેયર સહિતના 51 નગરસેવકો હવે 7 દિવસ સત્તામાં રહેશે, ત્યારબાદ વહીવટદાર તમામ નિર્ણયો કરશે
મહાનગરપાલિકાની ચૂંટણી પાંચ વર્ષ પૂર્વે યોજાય હતી અને આગામી તા. ૯ માર્ચ-ર૦ર૬ના રોજ ભાવનગર મહાનગરપાલિકાની પાંચ વર્ષની મુદ્દત પૂર્ણ થઈ રહી છે પરંતુ સુધી ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી જાહેર કરવામાં આવી નથી તેથી આગામી તા. ૧૦ માર્ચ-ર૦ર૬થી રાજ્ય સરકાર દ્વારા વહીવટદાર મુકવામાં આવશે. સરની કામગીરી, પરીક્ષા વગેરે કારણોસર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિલંબ થશે તેમ જણાય રહ્યુ છે. ભાવનગર મહાનગરપાલિકામાં ૧૩ વોર્ડ છે અને પર નગરસેવક છે, જેમાં ભાજપના ૪૪ નગરસેવક અને કોંગ્રેસના ૮ નગરસેવક છે. ભાજપના એક મહિલા નગરસેવકનું નિધન થયુ છે તેથી હાલ પ૧ નગરસેવક છે. મેયર સહિતના પ૧ નગરસેવકો હવે સાત દિવસ સત્તામાં રહેશે અને ત્યારબાદ મહાનગરપાલિકાનો વહીવટ વહીવટદાર સંભાળશે.
સરકાર દ્વારા વહીવટદાર તરીકે કમિશનરને મુકવામાં આવે છે કે અન્ય અધિકારીને મુકવામાં આવશે ? તેને લઈ ચર્ચા જામી છે પરંતુ મહાપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત વગેરેની ટર્મ પણ પૂર્ણ થઈ રહી છે ત્યારે તમામ જગ્યાએ નવા વહીવટદાર મૂશ્કેલ છે તેથી સ્થાનિક અધિકારીઓને જ જવાબદાર સોંપવામાં આવે તેવી શકયતા જણાય રહી છે. વહીવટદાર મુકયા બાદ તમામ નિર્ણયો વહીવટદાર કરશે તેથી રાજકીય હસ્તક્ષેપ ઘટી જશે તેમ ચર્ચાય રહ્યુ છે. શાળાઓમાં પરીક્ષા પૂર્ણ થયા બાદ આગામી એપ્રિલ-મે માસમાં ચૂંટણી યોજાય તેવી શકયતા છે.
ભાવનગર મહાપાલિકામાં 11મી વખત વહીવટદાર મુકાશે
ભાવનગર મહાનગરપાલિકાની સ્થાપના ૧૯૮રમાં થઈ હતી. મહાનગરપાલિકાની સ્થાપનાથી લઈ અત્યાર સુધીમાં જુદા જુદા સમયે ૧૦ વખત વહીવટદાર મુકવામાં આવ્યા છે અને હવે ૧૧મી વખત વહીવટદાર મુકવામાં આવશે તેમ જણાય રહ્યુ છે. વહીવટદાર તરીકે સરકાર કોની નિમણુંક કરે છે ? તેની રાહ જોવી જ રહી.


