ભાવનગરના શખ્સને 5 કેસમાં 2-2 વર્ષ કેદની સજા

- એક કરોડથી વધુની બાકી રકમના ચેક બાઉન્સ મામલે
- વરતેજ જીઆઈડીસીની અમન ટ્રેડીંગના ભાગીદારોએ દાખલ કરાવેલી અલગ-અલગ નવ ફરિયાદમાં કોર્ટનો સાગમટે ચુકાદો
વરતેજ જીઆઈડીસી, પ્લોટ નં.૧૩૨માં આવેલ અમન ટ્રેડીંગના ભાગીદાર નિરંજનભાઈ નરોત્તમભાઈ રાઠોડ અને શારદાબેન નરોત્તમભાઈ રાઠોડના કુલમુખત્યાર દરજ્જે રાજેશભાઈ નરોત્તમભાઈ રાઠોડે પોતાના વકીલ એન.આર. ચૌહાણ મારફત મોતીતળાવ રોડ, અલંગ હાઉસ સામે, જન્નતી ડેલો, એફ/૨૮/એ/૬ (૧)માં આવેલ ફાતિમા માર્કેટીંગનો પ્રોપરાઈટર ઉસ્માનગની એ. જન્નતી નામના શખ્સ સામે વર્ષ ૨૦૨૦માં ભાવનગરના બીજા એડીશનલ ચીફ જ્યુડી મેજિસ્ટ્રેટ (સ્પે. નેગો કોર્ટ)ની કોર્ટમાં ધી નેગો. ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ ૧૩૮ અન્વયે અલગ-અલગ ૯ ફરિયાદ દાખલ કરી હતી. જેમાં શખ્સે ઈમ્પોર્ટ-એક્સપોર્ટમાં કામ કરી ધંધાના વિકાસ અને પેઢીના વ્યાપ વધારવા માટે રૂા.૧,૨૦,૫૦,૦૦૦ લીધા બાદ ત્રુટક-ત્રુટક રૂા.૧૫,૫૦,૦૦૦ ચૂકવી બાકીની રકમના ચેક આપ્યા હતા. જે ચેક બાઉન્સ થતાં નોટિસ આપવા છતાં ચેકની રકમ પરત કરી ન હતી. આ તમામ ફરિયાદોમાં કોર્ટે રજૂ થયેલા આધાર પુરાવા અને દલીલોને ગ્રાહ્ય રાખી ન્યાયમૂર્તિ જે.પી. પ્રજાપતિએ પાંચ કેસમાં બે-બે વર્ષ સાદી કેદની સજા, અનુક્રમે રૂા.૮ લાખ, રૂા.૪૯ લાખ, રૂા.૫૦ લાખ, રૂા.૧૨ લાખ અને રૂા.૧૫ લાખનો દંડ ભરવા તેમજ ચાર કેસમાં શંકાનો લાભ આપી છોડી મુકવા હુકમ કર્યો છે.









