GNFC Company Boiler Accident in Bharuch: ભરૂચની સરકારી કેમિકલ કંપની 'ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ' (GNFC) માં આજે(9 માર્ચ) એક દુર્ઘટના બની છે. કંપનીના બોઈલર વિભાગમાં કામગીરી ચાલી રહી હતી ત્યારે અચાનક ગરમ રાખ ઉડતા ત્યાં ફરજ બજાવી રહેલા 8 જેટલા શ્રમિકો તેની ઝપેટમાં આવી ગયા હતા અને ગંભીર રીતે દાઝી ગયા હતા. આ ઘટનાને પગલે કંપની પરિસરમાં દોડધામ મચી ગઈ હતી.
મળતી માહિતી મુજબ, દાઝી ગયેલા તમામ 8 શ્રમિકોને તાત્કાલિક અસરથી નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ઈજાગ્રસ્તો પૈકી એક શ્રમિક મોઢાના ભાગે ગંભીર રીતે દાઝ્યો હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે અન્ય શ્રમિકોને પગના ભાગે ઈજાઓ પહોંચી છે. આ ઘટનાની ગંભીરતાને જોતા ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા તાત્કાલિક તપાસના આદેશ આપવામાં આવ્યા છે. વિભાગની ટીમ દ્વારા પ્લાન્ટની મુલાકાત લઈ સુરક્ષાના ધોરણોમાં ક્યાં ચૂક રહી ગઈ તે અંગે ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે.


