Gujarat

તલોદ તાલુકામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ સહાયથી વંચિત

By GS Team
2 Aug 20202 mins read
This article was originally published on 2 Aug 2020
તલોદ તાલુકામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ સહાયથી વંચિત

તલોદ, તા. 1 ઓગસ્ટ, 2020, શનિવાર

સાબરકાંઠા જિલ્લાના તલોદ સહિતના તાલુકાના પ્રધાનમંત્રી આવાસ યોજનાના હજારો લાભાર્થીઓ ત્રણેક માસથી આર્થિક સહાયથી વંચિત રહ્યા છે. ચાતક આંખે સહાયની રાહ જોતા લાભાર્થીઓ પોતાના મકાનોના બાંધકામ નાછૂટકે અધૂરા છોડી દઈને સહાયની રકમ ક્યારે આવશે તે માટે ભારે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. માત્ર તલોદ તાલુકામાં જ આવા અનેક લાભાર્થીઓ આ યોજના અન્વયે મળતા લાભથી વંચિત રહેતાં ભારે આક્રોશ ફેલાયો છે. પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) અંતર્ગત જરૃરિયાતમંદ પરિવારોને નવા પોતાની માલિકીના આવાસ બનાવવા ક્રમશઃ આર્થિક સહાય કેન્દ્ર સરકારની યોજના અંતર્ગત મળે છે. ચોક્કસ નક્કી કરેલા બાંધકામની અંદર સ્લેબ મુજબ હપ્તામાં સહાયની રકમ ચુકવવામાં આવતી હતી. પરંતુ કોરોના મહામારીના બહાના હેઠળ અથવા અવ્યવસ્થાને કારણે ત્રણેક માસથી લાભાર્થીઓને ૧ પાઇ પણ મળી નથી. આમ થતાં તેઓની હાલત કફોડી બની છે. તાકીદે સરકાર આવાસ યોજના અંતર્ગત મળતી સહાયની ચુકવણી ચાલુ કરી દે તેવી હજારો પરિવારોની લાગણી અને માંગણી બુલંદ બની છે જે સહાય કેન્દ્રની ગ્રાન્ટ નહીં આવતી અટકી હોવાનું મનાય છે.

નવા આવાસના બાંધકામ માટે સંખ્યાબંધ પરિવારોએ પોતાના જૂના મકાનોને જમીનદોસ્ત કરી દઈને અન્યત્ર તગડા ભાડાના મકાનમાં રહેવા જવાનું મુનાસિબ માનીને તેઓ હાલ ભાડાના મકાનમાં રહેવા મજબૂર બન્યા છે. આવા પરિવારોને આર્થિક સહાયની ચુકવણી મહિનાઓથી નહી કરવામાં આવતી હોવાને કારણે તેઓની હાલત બંને બાજુએથી દયનીય બની છે. મકાનના બાંધકામ અધૂરા રાખીને તેઓ કાગડોળે સહાયના હપ્તાની રાહ જુએ છે. પ્રધાનમંત્રી આવાસ યોજનાની સહાય ઉપર આધાર જ રાખીને, રહેઠાણના મકાનો જમીનદોસ્ત કરી નિરાધારની જેમ રહેવા મજબૂર બનેલા તાલુકાના ડઝનબંધ ગામોના અરજદારોની સ્થિતિ અત્યંત દયાજનક થઈ છે. સરકાર આવા પરિવારોની તત્કાળ દરકાર કરે તે સમયની માંગ છે.