વડોદરાઃ મતદાન દરમિયાન કાળઝાળ ગરમીને કારણે અનેક સ્થળોએ અવ્યવસ્થાની બૂમો પડી હતી.તો બીજીતરફ ફર્સ્ટ ટાઇમ વોટર્સમાં ભારે તરવરાટ જોવા મળ્યો હતો.
* ફર્સ્ટ ટાઇમ વોટર્સે તેમનો મત વ્યક્ત કરતાં કહ્યું હતું કે,લોકશાહીને જીવંત રાખવા મતદાન જરૃરી છે.અમે હંમેશા મતદાન કરીશું અને લોકોને પણ કરાવીશું.
* હરણીરોડના સુમેરુ ડૂપ્લેક્સમાં રહેતી ગાંધીનગરની લો કોલેજની વિદ્યાર્થિની તન્વી ગૌતમ ગુપ્તાને પહેલો મત આપવા માટે ભારે ઉત્સાહ હતો અને ગાંધીનગરથી મત આપવા આવવાની તૈયારી કરી હતી.પરંતુ મતદાર યાદીમાં તેના બબ્બે નામ છપાતાં ગભરાઇ હતી અને ધક્કો પડશે તેમ માનીને પહેલો મત જતો કર્યો હતો.
* અનેક મતદાન મથકો પર બપોરે ગરમીને કારણે કાગડા ઉડતા હતા.મતદારોએ સવારે અને નમતી બપોરે મત આપવાનો આગ્રહ રાખ્યો હતો.જેને કારણે મતદારોને લાવવા લઇ જવા માટે રખાયેલા વાહનો પણ ખાલી જોવા મળ્યા હતા.
* પોલીસ કમિશનરે તમામ પોલીસ કર્મીઓને મતદારોને મદદરૃપ થવા આદેશ આપ્યો હોવાથી દર્દી,અશક્ત,વિકલાંગ અને વૃધ્ધોને પોલીસ ખૂબ જ મદદરૃપ થઇ હતી. કેટલાક સ્થળે તો પોલીસ તેમને ઉંચકીને બૂથમાં લઇ ગઇ હતી.
* હવામાન ખાતાનો ગરમીનો વરતારો હોવા છતાં અનેક મતદાન મથકો પર મંડપ કે ખુરશીઓની વ્યવસ્થા જોવા મળી નહતી.પાણી પણ નહિ હોવાથી પૂર્વ મંત્રી સહિતના મતદારો નારાજ થયા હતા.
* કેટલાક સ્થળોએ બોગસ વોટિંગની અફવાઓના કિસ્સા પણ ચર્ચામાં રહ્યા હતા. જો કે આવી કોઇ પોલીસ ફરિયાદ નોંધાઇ નહતી.
* છેલ્લા એક કલાકમાં વોટિંગ વધારવા માટે વાડી વિસ્તારમાં રાકેશ પટેલ અને અન્ય કાર્યકરો તેમજ મહિલાઓ થાળીઓ અને ઢોલ પીટતા જુદીજુદી શેરીઓમાં ફર્યા હતા.
* બાજવાડાના બૂથ પર એક સિનિયર સિટિઝન લેમિનેશન વાળુ ચૂંટણી કાર્ડ લઇને ગયા હતા.પરંતુ ચૂંટણી અધિકારીએ આ કાર્ડ સ્વીકાર્યું નહતું.જેથી તેઓ મત આપ્યા વગર પરત ફર્યા હતા.


