Baroda BCA Election: બરોડા ક્રિકેટ એસોસિએશન (BCA) ના વર્ષ 2026 થી 2029ના સત્ર માટે આજે વડોદરાના શાસ્ત્રી બ્રિજ પાસે આવેલા રામબાગ ખાતે હાઈવોલ્ટેજ ચૂંટણી યોજાઈ રહી છે. સવારે 9 વાગ્યાથી શરૂ થયેલું મતદાન સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. ક્રિકેટના આ રણસંગ્રામમાં વડોદરાના ક્રિકેટ પ્રેમીઓ અને સભ્યોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
દિગ્ગજોનું મતદાન અને વિશેષ સુવિધાઓ
ચૂંટણીના પ્રારંભથી જ પૂર્વ ભારતીય ક્રિકેટર નયન મોંગીયા સહિતના અનેક દિગ્ગજો મતદાન મથકે પહોંચ્યા છે. વરિષ્ઠ સભ્યોને મતદાનમાં તકલીફ ન પડે તે માટે વહીવટી તંત્ર દ્વારા વ્હીલચેરની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. સમગ્ર રામબાગ વિસ્તાર હાલ ક્રિકેટમય માહોલમાં ફેરવાઈ ગયો છે.
આ પણ વાંચો : BCAની ચૂંટણી પૂર્વે ઈરફાન પઠાણની સિસ્ટમ સામે નારાજગી, સત્તા પક્ષે 'ચૂંટણીની રમત' ગણાવી
પેનલ વચ્ચેનો સીધો મુકાબલો
આ ચૂંટણીમાં મુખ્યત્વે બે જૂથો સામસામે છે. રોયલ સત્યમેવ જયતે જૂથના પ્રમુખ પદના ઉમેદવાર તરીકે ડૉ. દર્શન બેન્કર મેદાનમાં છે. જયારે રિવાઇવલ જૂથના પ્રમુખ પદ માટે પૂર્વ ભારતીય ક્રિકેટર કિરણ મોરે નસીબ અજમાવી રહ્યા છે.
વિગત માહિતી
કુલ સભ્યો (મતદારો) 2,068
કુલ પદો 31 (પ્રમુખ, ઉપપ્રમુખ, સચિવ, ખજાનચી વગેરે)
કુલ ઉમેદવારો 62
મુખ્ય હરીફાઈ રોયલ સત્યમેવ જયતે vs રિવાઇવલ
પરિણામ પર સસ્પેન્સ
ચૂંટણી પહેલા કાયદાકીય ગૂંચવણો પણ જોવા મળી હતી. કિરણ મોરે, અમુલ જીકાર, અનંત ઇન્દુલકર અને અમર પેટીવાળાની ઉમેદવારીને પડકારતી અરજી ગુજરાત હાઈકોર્ટમાં થઈ હતી. હાઈકોર્ટે ચૂંટણી યોજવાની મંજૂરી આપી છે, પરંતુ સ્પષ્ટ કર્યું છે કે કોર્ટની પૂર્વ મંજૂરી વગર પરિણામ જાહેર કરી શકાશે નહીં. 17 ફેબ્રુઆરીના રોજ વધુ સુનાવણી હાથ ધરાશે, ત્યારબાદ જ મતગણતરી અને પરિણામ અંગેનો માર્ગ સ્પષ્ટ થશે.
વિકાસલક્ષી વિઝન પર ભાર
બંને પેનલોએ સભ્યોને રિઝવવા માટે ક્રિકેટના પાયાના વિકાસ, આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વડોદરાના ક્રિકેટને નવી ઊંચાઈએ લઈ જવાના વચનો આપ્યા છે. હવે જોવાનું એ રહેશે કે 2,068 સભ્યો કોના વિઝન પર મહોર મારે છે.


