વડોદરામાં ચૂંટણી પહેલા જનતાનો મિજાજ ગરમ: નિઝામપુરામાં 'પાણી નહીં તો વોટ નહીં'ના બેનરો લાગ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે વડોદરા શહેરના વોર્ડ નંબર 1 માં આવતા નિઝામપુરા વિસ્તારમાં જનતાનો રોષ ફાટી નીકળ્યો છે. છેલ્લા 10 વર્ષથી પ્રાથમિક સુવિધાઓ માટે વલખાં મારતી અસ્મિતા પાર્ક સોસાયટી સહિત આસપાસના રહીશોએ સોસાયટીની બહાર 'પાણી નહીં તો વોટ નહીં' ના બેનરો લગાવીને રાજકીય પક્ષોની ઊંઘ હરામ કરી દીધી છે.
40 વર્ષ જૂની સોસાયટી, પણ સુવિધાના નામે મીંડું!
શહેરના નિઝામપુરાની આ સોસાયટીઓ 40 વર્ષ જૂની છે, છતાં અહીંના રહીશો છેલ્લા એક દાયકાથી પીવાના શુદ્ધ પાણી, ખખડધજ રસ્તા અને ડ્રેનેજની ગંભીર સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે, ''અનેકવાર રજૂઆતો કરવા છતાં તત્કાલીન કોર્પોરેટરોએ માત્ર આશ્વાસનો જ આપ્યા છે. પાલિકાની કચેરીએ ધક્કા ખાઈને રહીશો હવે કંટાળ્યા છે. વર્ષોથી વેરો ભરવા છતાં મૂળભૂત જરૂરિયાત એવું પાણી પણ પૂરતા પ્રેશરથી મળતું નથી.''
સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ: નેતાઓ માટે પ્રવેશબંધી?
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં સ્થાનિકો સ્પષ્ટપણે કહી રહ્યા છે કે, "પક્ષ ગમે તે હોય, જો પાણીનો પ્રશ્ન ઉકેલાશે નહીં તો અમે ચૂંટણીનો સજ્જડ બહિષ્કાર કરીશું." આ ચીમકીને પગલે વોર્ડ નં. 1 માં ફોર્મ ભરવા માંગતા ઉમેદવારો માટે હવે 'પાણી' જ જીત કે હારનું મુખ્ય કારણ બનશે તેવું લાગી રહ્યું છે.
નવા કોર્પોરેટરો માટે 'કાંટાળો તાજ'
ચૂંટણીમાં રસાકસી જામવાની પૂરેપૂરી શક્યતા છે, કારણ કે જે પણ નવા કોર્પોરેટર ચૂંટાશે, તેમને ગાદી પર બેસતાની સાથે જ 10 વર્ષ જૂના આ પેન્ડિંગ પ્રશ્નોનો સામનો કરવો પડશે. અસ્મિતા પાર્કનો આ આક્રોશ હવે આખા વોર્ડમાં પ્રસરે તેવી દહેશત સેવાઈ રહી છે.








