Get The App

ગુજરાત સહિત દેશભરમાં 12 ફેબ્રુઆરીએ બૅન્ક કર્મચારીઓ હડતાળ પર ઉતરી શકે, હજારો કરોડના વ્યવહારો ખોરવાશે

Updated: Feb 10th, 2026

GS TEAM

Google News
Google News
ગુજરાત સહિત દેશભરમાં 12 ફેબ્રુઆરીએ બૅન્ક કર્મચારીઓ હડતાળ પર ઉતરી શકે, હજારો કરોડના વ્યવહારો ખોરવાશે 1 - image


Bank strike: કેન્દ્રીય ટ્રેડ યુનિયનો દ્વારા આપવામાં આવેલા રાષ્ટ્રવ્યાપી હડતાળના એલાનને પગલે આગામી 12 ફેબ્રુઆરી, 2026ના રોજ સમગ્ર દેશ સહિત ગુજરાતમાં બૅંક કર્મચારીઓ હડતાળમાં સામેલ થઈ શકે છે. મહાગુજરાત બૅંક એમ્પ્લોઇઝ ઍસોસિએશન (MGBEA) દ્વારા બૅંક કર્મચારીઓને હડતાળમાં મોટી સંખ્યામાં જોડાવવા માટે આહ્વાન કરવામાં આવ્યું છે. જેથી રાજ્યના બૅંકિંગ વ્યવહારો પર ગંભીર અસર પડવાની શક્યતા છે.

શા માટે થઈ રહી છે હડતાળ?

5 દિવસની બૅંકિંગ કામકાજની માગ ઉપરાંત બૅંક કર્મચારીઓ હવે કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા ચાર લેબર કોડ(શ્રમ કાયદા)ના વિરોધમાં આંદોલનનો સૂર છેડ્યો છે. યુનિયનોનો આરોપ છે કે, આ લેબર કોડ હિતધારકો સાથે પરામર્શ કર્યા વિના લાવવામાં આવ્યા છે. તેનાથી કર્મચારીઓનો હડતાળનો અને સામૂહિક એકતાનો અધિકાર છીનવાઈ જશે. નવા નિયમોથી કામદારોને મળતી સામાજિક સુરક્ષા અને વ્યવસાયિક સલામતી જોખમમાં મૂકાશે. યુનિયન શરુ કરવું, યુનિયન ચલાવવું, યુનિયનને સ્થિર નેતૃત્વ પૂરું પાડવું, હડતાળનું આયોજન કરવું વગેરે મુશ્કેલ બનશે કારણ કે ટ્રેડ યુનિયન બનાવવાની પ્રક્રિયા જટિલ બનાવી દેવામાં આવી છે.

ગુજરાત સહિત દેશભરમાં 12 ફેબ્રુઆરીએ બૅન્ક કર્મચારીઓ હડતાળ પર ઉતરી શકે, હજારો કરોડના વ્યવહારો ખોરવાશે 2 - image

4 લેબર કોડ પાછા ખેંચવા ઉપરાંત અન્ય મુખ્ય માંગણીઓ

-જૂની પેન્શન યોજના (OPS) ફરી લાગુ કરવી અને NPS નાબૂદ કરવી.

-જાહેર ક્ષેત્રની બૅંકોનું ખાનગીકરણ અટકાવવું અને તેમને વધુ મજબૂત બનાવવી.

-બૅંકોમાં ખાલી પડેલી જગ્યાઓ પર પૂરતી ભરતી કરવી.

-આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ નોકરીઓ બંધ કરો

-મોટા બાકી લેણાં (બેડ લોન) વસૂલવા માટે કડક પગલાં લેવા.

-સામાન્ય ગ્રાહકો માટે બૅંકોમા સેવા ચાર્જ ઘટાડો.

-વીમા કંપનીઓમાં 100% FDIના નિર્ણયને પાછો ખેંચવો.

રાષ્ટ્રવ્યાપી હડતાળને MGBEAનો ટેકો

10 કેન્દ્રીય ટ્રેડ યુનિયનો જેવા કે INTUC, AITUC, HMS, CITU, AIUTUC, TUCC, SEWA, AICCTU, LPF, UTUCએ 12 ફેબ્રુઆરી 2026ના રોજ હડતાળનું આયોજન કર્યું છે. જેનો મુખ્ય હેતુ કેન્દ્ર સરકાર દ્વારા હાલના 29 શ્રમ કાયદાઓને બદલે 4 નવા લેબર કોડ લાગુ કરવા સૂચના આપી છે જેના વિરોધમાં દેશ વ્યાપી સામાન્ય હડતાળનું એલાન કરવામાં આવ્યું છે. જેમાં MGBEAએ પણ સાથ પૂર્યો છે.

ગુજરાતમાં કેટલી અસર થશે?

આ હડતાળને કારણે ગુજરાતમાં બૅંકિંગ સેવાઓને મોટો ફટકો પડશે કારણ કે કુલ 25,000 જેટલા કર્મચારીઓ આ હડતાળમાં જોડાઈ શકે, જેથી રાજ્યમાં રાષ્ટ્રીયકૃત બૅંકોની અંદાજે 3,678 શાખાઓનું કામકાજ પ્રભાવિત થશે. રાષ્ટ્રીયકૃત બૅંકો ઉપરાંત ફેડરલ બૅંક, કરુર વૈશ્ય બૅંક, કર્ણાટક બૅંક અને IDBIના કર્મચારીઓ પણ જોડાઈ શકે છે. એક જ દિવસમાં અંદાજે 15,000 કરોડ રૂપિયાના વ્યવહારો અટકી જવાની ભીતિ છે.

વિરોધના ભાગરૂપે બે દિવસ દેખાવો

હડતાળના સમર્થનમાં બે દિવસના કાર્યક્રમો જાહેર કરવામાં આવ્યા છે, જેમાં 11 ફેબ્રુઆરીના રોજ સાંજે અમદાવાદના આશ્રમ રોડ પર સન્યાસ આશ્રમ પાસે આવેલી યુકો બૅંક (UCo Bank) ખાતે કર્મચારીઓ દ્વારા દેખાવો કરવામાં આવશે. તેમજ 12 ફેબ્રુઆરીના રોજ સવારે 11:00 વાગ્યે એલિસબ્રિજ(ટાઉનહોલ સામે)થી નહેરુ બ્રિજ સુધી તમામ ટ્રેડ યુનિયનો દ્વારા રેલી કાઢવામાં આવશે, જે બાદમાં 'માનવ સાંકળ' રચી વિરોધ કરવામાં આવશે.