વડોદરા,લગ્ન પ્રસંગમાં ગયેલા બેન્કના ક્લાર્કે પાડોશીને સોના ચાંદીના દાગીના સાચવવા આપ્યા હતા. પરંતુ, ચોર પાડોશીના ઘરમાંથી દાગીના ચોરી ગયો હતો. જે અંગે માંજલપુર પોલીસે ૨૩ દિવસ પછી ગુનો દાખલ કર્યો છે.
વડસરરોડ શ્રી શિવમ રો હાઉસ ડૂપ્લેક્સમાં રહેતા સંજયભાઇ ખુમાનભાઇ તડવી મૂળ દાહોદ જિલ્લાના શેડીયા ગામના વતની છે.તેઓ જરોદ ખાતે આવેલી એસ.બી.આઇ. બેન્કમાં ક્લાર્ક તરીકે નોકરી કરે છે. ગત તા.૩૧ મી માર્ચે તેઓ લગ્ન પ્રસંગે વતન જવાના હોઇ ઘરમાંથી સોના ચાંદીના દાગીના તથા મકાનના દસ્તાવેજ એક સૂટકેશમાં મૂકીને પાડોશમાં રહેતા પુષ્પાબેન જ્યંતિભાઇ પરમારના ઘરે સાચવવા મૂકી ગયા હતા. ૧૧ મી એપ્રિલે પુષ્પાબેન તેમનું ઘર બંધ કરીને ન્યાયમંદિર કામ માટે ગયા હતા. તે દરમિયાન ચોર અગાશી પરના ખુલ્લા બારણાથી તેમના ઘરમાં ઘુસીને ચોરી કરી ગયો હતો. પુષ્પાબેન બપોરે દોઢ વાગ્યે તેઓ પરત આવ્યા ત્યારે ચોરીની જાણ થઇ હતી.


