Gujarat

બનાસકાંઠા પ્રાથમિક વિભાગના વિદ્યાર્થીઓ પુસ્તકોથી વંચિત

By GS Team
19 Jun 20202 mins read
This article was originally published on 19 Jun 2020
બનાસકાંઠા પ્રાથમિક વિભાગના વિદ્યાર્થીઓ પુસ્તકોથી વંચિત

પાલનપુર,તા.18 જૂન 2020, ગુરૂવાર

કોરોના સામેના જંગમાં ચાર તબક્કાના લોકડાઉન બાદ એક મહિનાનું અનલોક જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સઘળી છૂટછાટ અપાતા રાજ્યમાં તા.૮ જૂનથી પ્રાથમિક શાળાઓ શરૃ કરવામાં આવી છે અને બાળકોને ઘરેબેઠા ઓનલાઈન શિક્ષણ શરૃ કરાયું છે. પરંતુ વિદ્યાર્થીઓના અભ્યાસ માટે શાળાઓમાં પૂરતા પ્રમાણમાં પુસ્તકો આપવામાં ન આવતા પુસ્તકોના અભાવે બાળકોનું ઓનલાઈન શિક્ષણ ભાર સમાન બનતા વાલીઓમાં નારાજગી છવાઈ છે.

રાજ્યમાં ૮ જૂનથી વિદ્યાર્થીઓ વિના શાળાઓ શરૃ કરવામાં આવી છે અને બાળકોના ઘરે બેઠા ઓનલાઈન અભ્યાસ કરી શકે તે માટે શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને ઘરે ઘરે પાઠયપુસ્તકો પહોંચાડવાની જવાબદારી સોંપવામાં આવી છે. જોકે શાળાઓ શરૃ થયાને એક સપ્તાહનો લાંબો સમય વિતવા છતાં બનાસકાંઠાની કેટલીક સરકારી પ્રાથમિક શાળાઓમાં ધો.૨ થી ૮ના પુસ્તકો પહોંચ્યા જ નથી. જેને લઈ પુસ્તકોના અભાવે વિદ્યાર્થીઓનો અભ્યાસક્રમ ક્યારે શરૃ થશે તેની રાહ જોવાઈ રહી છે. જોકે હાલ તો કેટલીક શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓને પુસ્તક વિના ઓનલાઈન અભ્યાસ શરૃ કરવામાં આવ્યો છે. ત્યારે પુસ્તક વિના ઓનલાઈન અભ્યાસ શક્ય ન હોઈ વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.

અધૂરા પુસ્તકો આવ્યા હોય વિતરણ કરાયું નથી

પાલનપુર તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી કલાબેન પટેલે જણાવ્યું હતું કે સરકારમાંથી અધૂરા પુસ્તકો આવ્યા હોવાથી શાળાઓમાં પુસ્તકો પહોંચાડવા પાછળ ભાડાનો ડબલ ખર્ચ કરવો ન પડે તે માટે સ્કૂલો દ્વારા અધૂરા પુસ્તકો લેવા આવતા નથી.

ધો.9 તેમજ 10ના પુસ્તકો આવ્યા નથી

સરકારી માધ્યમિક શાળામાં ધો.૯માં અંગ્રેજી, સંસ્કૃત અને શા. વિજ્ઞાાનના પુસ્તકો સરકારમાંથી આવ્યા નથી.