Gujarat

દારુ પીને આવેલા પ્રેમીની હત્યા કરનાર મહિલાની જામીન અરજી નામંજૂર

By GS TEAM
15 Oct 20252 mins read
દારુ પીને આવેલા પ્રેમીની હત્યા કરનાર  મહિલાની જામીન અરજી નામંજૂર

વડોદરા : મોડી રાત્રે દારુ પીને ઘરે આવેલા પ્રેમી સાથે ઝઘડો થતાં તેનું ગળુ દબાવી હત્યા કરવાના બનાવમાં સંડોવાયેલી મહિલાએ જામીન અરજી મુકતા ન્યાયાધીશે અરજદારની અરજી નામંજૂર કરી હતી.

બનાવની વિગત એવી છે કે, નવાયાર્ડ વિસ્તારમાં રહેતા મૃતક મુકેશ પરમારને તેના વિસ્તારમાં જ રહેતી કવિતા રાય સાથે પ્રેમ સબંધ હોઇ આ બન્ને મકેશના ભાઇ દિનેશના ઘરે રહેવા માટે આવ્યા હતા. તા.૧ સપ્ટેમ્બરના રોજ મુકેશના કાકાની દીકરીનું મૃત્યું થતા બન્ને ભાઇ તેની અંતિમવિધિમાં  ગયા હતા અને મોડી રાત્રે બન્ને ઘરે આવ્યા હતા.મોડી રાત્રે ઘરે આવ્યા બાદ મુકેશે બેડ રુમમાં સુઇ રહેલી કવિતાને જમાવનું કહેતા કવિતાએ મુકેશને તુ કેમ દારુ પીને આવ્યો છે ? તેમ કહી ઝઘડો કર્યો હતો.

આ સમયે દિનેશે વટ્ટે પડી સમજાવતા કવિતા અને મુકેશ તેના રુમમાં સુઇ ગયા હતા. મોડી રાત્રે બે વાગે કવિતાએ દિનેશને જગાડયો હતો અને જણાવ્યું હતું કે, મુકેશ જાગતો નથી એટલે દિનેશે રુમમાં જઇ તપાસ કરતા તે જમીન પર પડેલો હતો.તેને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવતા તબીબે મૃત જાહેર કર્યો હતો અને પીએમ રિપોર્ટમાં મુકેશનું મોત ગળુ દબાવીને થયું હોવાનું જણાવવામાં આવ્યું હતું.

કવિતાને પુછવામાં આવતા તેણે જણાવ્યું હતું કે, મુકેશ દારુ પી આવતા તેને ગુસ્સો આવ્યો હતો એટલે તેણે ગળામાં દુપટ્ટો ભરાવી આંટી ચડાવી ખચી રાખ્યો હતો એટલે મુકેશ બેભાન થઇ ગયો હતો. ઝપાઝપી દરમિયાન તેને પણ ગળામાં નખ વાગ્યા હતા. પોલીસે આ બનાવમાં કવિતાની ધરપકડ કર્યા બાદ તેણે જામીન અરજી મુકતા ન્યાયાધીશે કવિતાની જામીન અરજી નામંજૂર કરી હતી.