Gujarat

ક્લાસમાં દ્વિઅર્થી શબ્દો બોલનારા શિક્ષકની જામીન અરજી નામંજૂર

By GS TEAM
24 Dec 20251 min read
ક્લાસમાં દ્વિઅર્થી શબ્દો બોલનારા શિક્ષકની જામીન અરજી નામંજૂર

વડોદરા : તરસાલી વિસ્તારમાં આવેલી ખાનગી શાળામાં ચાલુ ક્લાસમાં ગાળો બોલી વિદ્યાર્થીનીઓ શરમમાં મુકાઈ જાય તેવા ડબલ મિનિંગવાળા શબ્દો બોલી અડપલા કરનાર શિક્ષકની પોલીસે ધરપકડ કર્યા બાદ આરોપીએ જામીન અરજી મૂકતા અદાલતે જામીન અરજી નામંજૂર કરી હતી. ન્યાયાધીશે ચુકાદામાં નોંધ્યું હતું કે, આરોપી સામે ગંભીર પ્રથમદર્શનીય ગુનો જણાઇ રહ્યો છે.

કેસની વિગત એવી છે કે, ધો.૧૦માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીના વાલીએ ફરિયાદ નોંધાવી હતી કે, શિક્ષક વિનોદભાઈ શમસુભાઈ બારીયા (રહે- મારૃતિધામ સોસાયટી, ચંદ્રનગર પાસે, તરસાલી, વડોદરા ) છેલ્લા છ મહિનાથી વિદ્યાર્થીનીઓ સાથે અયોગ્ય વર્તન કરી રહ્યા હતા. છોકરા- છોકરીઓ સાથે હોય ક્લાસમાં શિક્ષક ડબલ મિનિંગવાળા શબ્દો બોલતા હતા જેથી વિદ્યાર્થીનીઓ  શરમમાં મુકાતી હતી.

શિક્ષક વિદ્યાર્થીનીઓ બેઠી હોય તે બેંચ પર એકદમ નજીક આવી બેસી તેમના ખભા પર હાથ મૂકવા, માથે ટપલી મારવા જેવા શારીરિક અડપલા કરતા હતા. વિદ્યાર્થીનીઓ સગીર હોવા છતાં શિક્ષક દ્વારા અશ્લીલ ટિપ્પણીઓ અને યૌન ઇરાદાથી સ્પર્શ કરાતો હતો.પોલીસે આ બનાવમાં વિનોદ બારીયાની ધરપકડ કરી હતી. હાલ જેલમાં રહેલા આરોપીએ જામીન અરજી મૂકતા ન્યાયાધીશે અરજદારની જામીન અરજી નામંજૂર કરી હતી.