Gujarat

૧૪૦ની સ્પિડે કાર ચલાવી અકસ્માત કરનાર રક્ષિતની જામીન અરજી નામંજૂર

By GS TEAM
15 Oct 20252 mins read
૧૪૦ની સ્પિડે કાર ચલાવી અકસ્માત કરનાર રક્ષિતની જામીન અરજી નામંજૂર

વડોદરા : હોળીની રાત્રે કારેલીબાગ વિસ્તારમાં આમ્રપાલી કોમ્પલેક્સ પાસે ૧૪૦ની સ્પિડથી કાર ચલાવી ત્રણ વાહનને અડફેંટમાં લઇ આઠ લોકોને ઇંજા પહોંચી હતી અને એક મહિલાનું મોત થયું હતું. આ ચકચારી બનાવમાં પોલીસે ચાર્જશીટ દાખલ કર્યા બાદ આરોપી રક્ષિત ચૌરસિયાએ ચાર્જશીટ બાદ જામીન અરજી મુકતા અદાલતે અરજદારની અરજી નામંજૂર કરી હતી.

 તા.૧૩ માર્ચની રાત્રે હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો અને જીવલેણ અકસ્માત સર્જનારા રક્ષિત ચોરસીયાએ કારમાંથી બહાર નિકળી  અન અધર રાઉન્ડની ત્રણ વાર બુમો પાડી હતી અને ત્યાર બાદ નીકીતા તેમજ ઓમ નમઃ શિવાય તે રીતની પણ બુમો પાડતા તેનો વિડીયો સમગ્ર દેશમાં વાઇરલ થયો હતો.

આ બનાવમાં પોલીસે રક્ષિત ચોરસીયાની ધરપકડ કર્યા બાદ તેની સામે કોર્ટમાં ૬૦૦૦થી વધુ પેજનું  ચાર્જશીટ દાખલ કર્યું હતું. હાલ જેલમાં રહેલા આરોપી રક્ષિત ચોરસીયાએ જામીન અરજી મુકતા મુખ્ય સરકારી વકીલ અનિલ દેસાઇએ રજૂઆત કરી હતી કે, આરોપીએ ગાંજાનો નશો કરી ૧૪૦ની સ્પિડથી કાર ચલાવી અકસ્માત કર્યો છે. બ્લેડ સેમ્પલમાં નશો કર્યો હોવાની બાબતને સમર્થન મળ્યું છે. આરોપી સામે ગંભીર પ્રકારનો ગુનો છે અને જો જામીન આપવામાં આવશે તો તે ટ્રાયલમાં હાજર નહી રહે.

આરોપી સામે એનડીપીએસ એક્ટ હેઠળ પણ ગુનો નોંધાયો છે અને અગાઉ પણ તેણે એક અકસ્માત કર્યો હોવાની વિગતો ખુલી છે. જે રીતે અકસ્માત સર્જીને આરોપીએ અન અધર રાઉન્ડની બુમો પાડી હતી તે જોતા તેને સ્હેજ પણ અફસોસ ન હોવાનું જણાય છે.ન્યાયાધીશે જામીન અરજી નામંજૂર કરી ચૂકાદામાં નોંધ્યું હતું કે, આરોપી ઉત્તરપ્રદેશનો વતની છે અને જો જામીન આપવામાં આવશે તો તે  ટ્રાયલમાં હાજર નહી રહે તેવી આશંકા નકારી શકાય નહી.