Gujarat

છેતરપિંડીના કેસમાં મહિલા આરોપીની જામીન અરજી નામંજૂર

By GS TEAM
28 Mar 20262 mins read
TukuTouch Logo
વડોદરાના અટલાદરા સ્થિત દીપદર્શન સોસાયટીમાં રહેતી નયનાબેન મહીડા હાલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસ મથકે નોંધાયેલા ગુનામાં જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ જેલમાં છે. 11મા એડિશનલ સેશન્સ જજ બદ્રી કમલકુમાર દંસોદીની અદાલતે આ મામલે નોંધપાત્ર અવલોકન સાથે રેગ્યુલર જામીન અરજી ફગાવી દીધી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

છેતરપિંડીના કેસમાં મહિલા આરોપીની જામીન અરજી નામંજૂર

Vadodara Court : વડોદરાના અટલાદરા સ્થિત દીપદર્શન સોસાયટીમાં રહેતી નયનાબેન મહીડા હાલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસ મથકે નોંધાયેલા ગુનામાં જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ જેલમાં છે. 11મા એડિશનલ સેશન્સ જજ બદ્રી કમલકુમાર દંસોદીની અદાલતે આ મામલે નોંધપાત્ર અવલોકન સાથે રેગ્યુલર જામીન અરજી ફગાવી દીધી છે.

કેસની વિગત મુજબ, વર્ષ 2021માં અક્ષરચોક સ્થિત સિગ્નેટ હબમાં કાર્યરત સહયોગ ફાઈનાન્સિયલ સર્વિસ મારફતે નયના મહીડા અને તેના પુત્ર આકાશ મહીડાએ વલસાડની રાધિકા ઇન્ટરમિડિએટ કંપનીને સોલાર પ્રોજેક્ટ અને ગ્રીન હાઈડ્રોજન પ્લાન્ટ માટે રૂ.300 કરોડની લોન અપાવવાનું જણાવી કમિશન તરીકે રૂ.30 લાખની માંગણી કરી હતી. ફરિયાદી પાસેથી અલગ-અલગ ખાતાઓમાં કુલ રૂ.25 લાખ મેળવ્યા બાદ લોન મંજૂર ન કરાવી માત્ર રૂ.2.5 લાખ પરત આપ્યા અને બાકીના રૂ.22.50 લાખ પરત ન આપતાં છેતરપિંડી આચરાઈ હોવાનું બહાર આવ્યું હતું.

સરકારી વકીલ અનિલ દેસાઈએ દલીલ કરી હતી કે, આરોપી સામે સમાન પ્રકારના અન્ય ગુનાઓ પણ નોંધાયેલા છે અને સહઆરોપી મકસુદ અહેમદ કાજી હજુ ફરાર છે. આવી સ્થિતિમાં આરોપીને જામીન પર મુક્ત કરવામાં આવે તો ફરી ગુનો કરવાની શક્યતા નકારી શકાય નહીં.

અદાલતે નોંધ્યું હતું કે, આરોપીનું નામ શરૂઆતથી જ એફઆઈઆરમાં સામેલ છે અને પ્રાથમિક દ્રષ્ટિએ તે ગુનાનો મુખ્ય સૂત્રધાર હોવાનું જણાય છે. સાથે જ અન્ય આરોપી હજુ સુધી પકડાયો નથી.

કોર્ટે સુપ્રીમ કોર્ટના ચુકાદાનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, ફક્ત ચાર્જશીટ દાખલ થવાથી જામીન માટે કોઈ નવા સંજોગો ઉભા થતા નથી. આરોપી વિરુદ્ધ સમાન પ્રકારની ત્રણ અન્ય ફરિયાદો પણ નોંધાયેલી હોવાનું ધ્યાનમાં લઈને જામીન આપવા માટે અદાલતે ઇનકાર કર્યો હતો.

અંતે અદાલતે સ્પષ્ટ કર્યું કે, આરોપી સામેના આક્ષેપો અને તેના ભૂતકાળના વર્તનને જોતા જામીન પર મુક્ત કરવામાં આવે તો ફરી આવા ગુનાઓ કરવાની શક્યતા છે, અને આ આધારે જામીન અરજી નામંજૂર કરવામાં આવી છે.