વડોદરા : હત્યા, અપહરણ તેમજ ખંડણી સહિતના અસંખ્ય ગુનાઓ આચરવાના બનાવમાં સંડોવાયેલા અસલમ બોડીયાએ ગુજસીટોકના ગુનામાં ૩૦ દિવસના વચગાળાના જામીન માગતા અદાલતે અરજદારની અરજી નામંજૂર કરી હતી.ન્યાયાધીશે ચૂકાદામાં હાઈકોર્ટના અગાઉના આદેશને ટાંકીને જણાવ્યું હતું કે આરોપીનું વર્તન જેલ કે કોર્ટમાં યોગ્ય નથી અને તેણે કોર્ટના જ એક કર્મચારીને અગાઉ ધમકી પણ આપી હતી.
ઉલ્લેખનીય છે કે, ડીસીબી પોલીસ મથકે અસલમ શેખ અને તેની ગેંગ સામે
ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો હતો. હાલ જેલમાં રહેલા અસલમ હૈદરમિયાં શેખ ઉર્ફે અસલમ
બોડીયાએ ૩૦ દિવસના વચગાળાના જામીન માટે અરજી કરી હતી અને તેમાં રજૂઆત કરી હતી કે, સંતાનોની કોલેજ ફી ભરવા, બેંક લોનની પરત ચુકવણી કરવા અને એલઆઈસી પોલિસી રિન્યુ કરવા માટે તેને
જામીન આપવામાં આવે.
જામીન અરજીની સુનાવણીમાં બચાવ પક્ષે રજૂઆત કરી હતી કે, તે
લાંબા સમયથી જેલમાં હોવાથી તેના પરિવારમાં આથક કટોકટી સર્જાઈ છે. બોમ્બે
મર્કન્ટાઇલ કો-ઓપરેટિવ બેંકની લોન ન ભરાતા પ્રોપર્ટી ટાંચમાં લેવાની પ્રક્રિયા શરૃ
થઈ છે અને એલઆઈસી રિન્યુઅલ માટે તેની હાજરી અને મેડિકલ ટેસ્ટ જરૃરી છે. જ્યારે
સ્પેશિયલ સરકારી વકીલ આર.એન. પંડયાએ દલીલ કરી હતી કે,આરોપી
કોઈને કોઈ બહાને જામીન મેળવવા અરજીઓ કરતો રહે છે. સુપ્રીમ કોર્ટે પણ તેની જામીન
અરજી તાજેતરમાં નામંજૂર કરી છે.
ન્યાયાધીશે બન્ને પક્ષની દલીલ સાંભળ્યા બાદ આરોપી અસલમ શેખની
જામીન અરજી નામંજૂર કરી હતી અને ચૂકાદામાં નોંધ્યું ંહતું કે, આરોપી
સામે અગાઉ અંદાજે ૬૪ જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે. ફી ભરવા કે લોનની વ્યવસ્થા જેવા કામો પરિવારના
સભ્યો દ્વારા પણ થઈ શકે છે, તે માટે આરોપીની વ્યક્તિગત હાજરી
જરૃરી જણાતી નથી.


