Gujarat

૪૬ કરોડની ઠગાઇ કરનારા આરોપીની જામીન અરજી રદ

By GS TEAM
17 Nov 20251 min read
૪૬ કરોડની ઠગાઇ કરનારા આરોપીની જામીન અરજી રદ

વડોદરા : સિનિયર સીટીઝનનો વોટ્સએપ પર સંપર્ક કરી શેર બજારમાં રોકાણ કરવાથી મોટો પ્રોફિટ મળશે તેવી લાલચ આપી  ૪૬.૯૫ કરોડની છેતરપિંડી કરવાના બનાવમાં સંડોવાયેલા આરોપીએ જામીન અરજી મૂકતા ન્યાયાધીશે આરોપીની જામીન અરજી નામંજૂર કરી હતી.

ફરિયાદીના જણાવ્યા પ્રમાણે આરોપીઓએ તેમનો સંપર્ક વોટ્સએપ દ્વારા કર્યો હતો.આરોપીઓએ  તેમની કંપની રજીસ્ટર બ્રોકરેજ ફર્મ હોવાનું જણાવ્યું હતું અને શેર માર્કેટમાં જો રોકાણ કરશો તો ઉંચુ વળતર મળશે તેવો ભરોસો આપ્યો હતો.ત્યાર બાદ આરોપીઓએ વોટ્સએપના અન્ય એક ગૃપમાં ફરિયાદીને સામેલ કર્યા હતા અને ત્યાં વિવિધ શેરની ટીપ્સ આપવામાં આવતી હતી.

ફરિયાદીએ આરોપીઓની સૂચના મુજબ રોકાણ કર્યું હતું અને વિવિધ બેંક એકાઉન્ટમાં નાણાં ટ્રાન્સફર કર્યા હતા. દરમિયાનમાં ફરિયાદીના વેબ એકાઉન્ટમાં ૫૮૦ કરોડ જમા થયા હોવાનું જોવા મળતું હતું. ફરિયાદીએ નાણાં વિડ્રો માટે નો પ્રયાસ કરતા આરોપીઓએ સવસ ચાર્જ પેટે વધુ નાણાં જમા કરાવવા પડશે તેમ જણાવી કુલ  ૪૬.૯૫ કરોડ મેળવી લીધા હતા અને છેતરપિંડી કરી હતી. આ બનાવમાં જે એકાઉન્ટમાં નાણાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા તેમાં મહત્વની ભૂમિકા ભજવનારા આરોપી વિપુલ પ્રજાપતિની ધરપકડ કરવામાં આવ્યા બાદ તેણે જામીન અરજી મુકતા ન્યાયાધીશે અરજદારની અરજી નામંજૂર કરી હતી.