Gujarat

બગોદરા-બાવળા હાઈવે પર અકસ્માત: બંધ ટ્રક પાછળ પૂરપાટ ઝડપે ડમ્પર ઘૂસી જતાં એકનું મોત, બે લોકો ઇજાગ્રસ્ત

By GS TEAM
18 Jun 20262 mins read
TukuTouch Logo
અમદાવાદ જિલ્લાના બગોદરા-બાવળા હાઈવે પર ગત મોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. હાઈવે પર પંચર પડવાના કારણે બંધ પડેલી એક ટ્રક પાછળ પાછળથી આવી રહેલું ડમ્પર ધડાકાભેર ઘૂસી ગયું હતું. આ અકસ્માતમાં ઘટનાસ્થળે જ એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બગોદરા-બાવળા હાઈવે પર અકસ્માત: બંધ ટ્રક પાછળ પૂરપાટ ઝડપે ડમ્પર ઘૂસી જતાં એકનું મોત, બે લોકો ઇજાગ્રસ્ત

Bagodara-Bavla Highway Accident: અમદાવાદ જિલ્લાના બગોદરા-બાવળા હાઈવે પર ગત મોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. હાઈવે પર પંચર પડવાના કારણે બંધ પડેલી એક ટ્રક પાછળ પાછળથી આવી રહેલું ડમ્પર ધડાકાભેર ઘૂસી ગયું હતું. આ અકસ્માતમાં ઘટનાસ્થળે જ એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.

હાઈવે પર ટાયર બદલતી વખતે જ કાળ ત્રાટક્યો

મળતી માહિતી અનુસાર, બગોદરા-બાવળા હાઈવે પરથી પસાર થઈ રહેલી એક ટ્રકમાં અચાનક પંચર પડતાં ચાલકે ટ્રકને રોડની સાઈડમાં ઊભી રાખી દીધી હતી. ટ્રકચાલક અને તેનો સાથીદાર બંધ ટ્રકનું ટાયર બદલી રહ્યા હતા. આ દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલા એક ડમ્પરના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો. બેકાબૂ બનેલું ડમ્પર સીધું જ બંધ પડેલી ટ્રકના પાછળના ભાગે ધડાકાભેર અથડાયું હતું.

અકસ્માત એટલો ભયાનક હતો કે ડમ્પરની કેબિનનો કચ્ચરઘાણ નીકળી ગયો

આ અકસ્માત એટલો ગંભીર હતો કે બંધ ટ્રક પાસે ઊભેલી એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ ગંભીર ઈજાઓ થવાના કારણે મોત નીપજ્યું હતું. જ્યારે બીજી તરફ, ટક્કર એટલી જોરદાર હતી કે ડમ્પરનો આગળનો ભાગ અને તેની કેબિનનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો, જેમાં ડમ્પરચાલક અંદર જ બરાબરનો ફસાઈ ગયો હતો. ઘટનાને પગલે આસપાસના લોકો અને માર્ગ પરથી પસાર થતા અન્ય વાહનચાલકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. ફસાયેલા ડમ્પરચાલકને ભારે જહેમત અને મહામહેનતે કેબિન તોડીને બહાર કાઢવામાં આવ્યો હતો.

આ અકસ્માતમાં અન્ય એક ટ્રકચાલક અને અકસ્માત સર્જનાર ડમ્પરચાલક બંનેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં જ 108ની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને બંને ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે તાત્કાલિક અમદાવાદની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. પોલીસે આ મામલે ગુનો નોંધીને આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.