કાલાવડ રોડ પર અવધના બંગલામાં બનેલી ઘટના સ્વિમિંગ પુલમાં દડો લેવા જતાં ડૂબવા લાગ્યો : મિત્રોને તરતા આવડતું ન હોવાથી બચાવવાની હિંમત ન કરી
રાજકોટ, : કાલાવડ રોડ પર અવધનાં બંગલાનાં સ્વીમીંગ પુલમાં ડૂબી જવાથી વીવીપી એન્જિનિયરિંગ કોલેજના બી-ટેકના છાત્ર ધર્મિન હિતેશભાઇ મોરીધરા (ઉ.વ. 19)નું મૃત્યુ નીપજ્યું હતું. એકલૌતા પુત્રના મોતથી તેના પરિવાર ઉપર આભ તૂટી પડયું હતું. મેટોડા જીઆઇડીસી પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી તપાસ હાથ ધરી છે.
પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ, બી-ટેકના બીજા વર્ષમાં અભ્યાસ કરતો ધર્મિન 150 ફૂટ રીંગ રોડ પર ઓમનગર પાસે જલારામ સોસાયટી-3માં રહેતો હતો. આજે સવારે પરીક્ષા પૂરી થયા બાદ પાંચેક મિત્રો સાથે અવધના તરીકે ઓળખાતા બંધ બંગલાના કમ્પાઉન્ડમાં ક્રિકેટ રમવા ગયો હતો. ધર્મિન અવારનવાર તેના મિત્રો સાથે આ બંગલામાં ક્રિકેટ રમવા જતો હતો.
જે દરમિયાન તેણે દડાને ફટકારતા તે સ્વીમીંગ પુલમાં પડયો હતો. તે સાથે જ તે દડો લેવા સ્વીમીંગ પુલમાં ગયો હતો. જ્યાં શેવાળને કારણે કે બીજા કોઇ કારણસર તેનો પગ લપસતા ડૂબવા લાગ્યો હતો. તેણે બચાવો-બચાવોની બૂમો પાડી હતી. જે સાંભળી તેના મિત્રો સ્વીમીંગ પુલ નજીક દોડી આવ્યા હતા. પરંતુ કોઇને પણ તરતા આવડતું ન હોવાથી બચાવવાની હિંમત કરી ન હતી.
આખરે આસપાસના લોકો સ્થળ પર દોડી આવ્યા હતા. જેમણે સ્વીમીંગ પુલમાં જઇ ધર્મિનને બેભાન હાલતમાં બહાર કાઢ્યો હતો. ત્યારબાદ તેને 108માં સિવિલ લઇ જવાયો હતો, જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. જાણ થતાં જ તેના પરિવારજનો આઘાતથી સ્તબ્ધ થઇ ગયા હતા.


