Gujarat

અમદાવાદના કાલુપુરમાં આંગડિયા પેઢીના કર્મચારી પર હુમલો કરીને લૂંટ કરવાનો પ્રયાસ

By GS Team
1 Aug 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના કાલુપુરમાં આંગડિયા પેઢીના કર્મચારીને લૂંટવાનો પ્રયાસ થયો. રોકડ લઈને જઈ રહેલા મહાદેવ રાજપુતને કસુંબાવાડ પાસે 2 યુવકોએ માર મારી લૂંટનો પ્રયાસ કર્યો, પરંતુ લોકોએ તેમને પકડી પાડ્યા. આરોપીઓ હાર્દિક ઠાકોર અને ધર્મેશ ઠાકોરની પૂછપરછમાં ગાંધીનગરના દેવરાજ ચાવડાએ ટીપ આપી હોવાનું ખુલ્યું. કાલુપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદના કાલુપુરમાં આંગડિયા પેઢીના કર્મચારી પર હુમલો કરીને લૂંટ કરવાનો પ્રયાસ

Ahmedabad Crime News | અમદાવાદ શહેરના કાલુપુરમાં આવેલી આંગડિયા પેઢીમાં નોકરી કરતા એક કર્મચારીને રોકીને તેને માર મારીને રોકડની લૂંટ કરવાને પ્રયાસ થયો હતો. જો કે સ્થાનિક લોકોએ બે આરોપીઓને ઝડપી લીધા હતા. ઝડપાયેલા આરોપીઓની પુછપરછમાં જાણવા મળ્યું હતું કે ગાંધીનગરમાં રહેતા એક વ્યક્તિએ તેમને લૂંટ કરવા માટે ટીપ આપી હતી. આ અંગે કાલુપુર પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

મુળ પાટણમાં રહેતા મહાદેવભાઇ રાજપુત કાલુપુર રતનપોળમાં આવેલી ડી કે એન્ટરપ્રાઇઝ નામની આંગડિયા પેઢીમાં મેનેજર તરીકે નોકરી કરે છે. ત્રણ દિવસ પહેલા તે સાંજના સમયે લાખોની રોકડ લઇને ઝવેરીવાડમાં એક વેપારીને આપવા માટે જતા હતા. ત્યારે કસુંબાવાડ પાસે જતા બે યુવકોએ મહાદેવભાઇને પકડી લીધા હતા અને માર મારીને તેમના હાથમાં રહેલા થેલાની લૂંટ કરવાનો પ્રયાસ કર્યો હતો.

આ સમયે તેમણે બુમાબુમ કરતા આસપાસના લોકોએ બંનેને ઝડપી લીધા હતા અને કાલુપુર પોલીસને હવાલે કર્યા હતા. પુછપરછમાં તેમના નામ હાર્દિક ઠાકોર (રહે. પેથાપુર, ગાંધીનગર) અને ધર્મેશ ઠાકોર (રહે. પીપળજ ગામ, ગાંધીનગર) હોવાનું જાણવા મળ્યું હતું. આ સમયે લૂંટમાં કોઇ મતા ગઇ ન હોવાથી ફરિયાદ કરવાનું ટાળ્યું હતું.

જો કે બંને જણાના નિવેદનમાં જાણવા મળ્યું હતું કે ગાંધીનગરમાં રહેતા દેવરાજ ચાવડા નામના વ્યક્તિએ ટીપ આપી હતી. આ અંગે આંગડિયા પેઢીના કર્મચારીએ જણાવ્યું હતું કે દેવરાજ ચાવડા તેનો મિત્ર છે અને તે આંગડિયા પેઢીમાં નાણાંકીય હેરફેર અંગે પુછપરછ કરતો હતો. આમ, તેની સંડોવણી સામે આવતા કાલુપુર પોલીસ મથકે ગુનો નોંધીને કાર્યવાહી કરવામાં આવી છે.