Gujarat

મકાઈ સાથે છુપાવીને 56 કિલો મેથમફેટામાઈનની તસ્કરી કરવાનો કીમિયો નિષ્ફળ, DRIએ બે વ્યક્તિઓને ઝડપ્યા

By GS Team
19 Aug 20262 mins read
TukuTouch Logo
ડીઆરઆઈએ ન્હાવાશેવા બંદર ખાતેથી 56 કિલો મેથમફેટામાઈન ઝડપી પાડ્યું છે. 16-17 ઓગસ્ટ 2026 દરમિયાન ગુપ્ત માહિતીના આધારે કરાયેલા ઓપરેશનમાં, મકાઈની બોરીઓમાં છુપાવેલો 56 કિલો પાવડર જપ્ત કરાયો. આ ડ્રગ્સ સાઉદી અરેબિયા મોકલવાનો પ્રયાસ હતો. NDPS એક્ટ હેઠળ નિકાસકાર અને ટ્રાન્સપોર્ટરની ધરપકડ કરાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મકાઈ સાથે છુપાવીને 56 કિલો મેથમફેટામાઈનની તસ્કરી કરવાનો કીમિયો નિષ્ફળ, DRIએ બે વ્યક્તિઓને ઝડપ્યા

DRI Seizes 56 KG Methamphetamine Hidden In Maize: નાર્કોટિક ડ્રગ્સ અને સાયકોટ્રોપિક પદાર્થોના સરહદ પારના ગેરકાયદે વેપાર સામે પોતાની સતત કાર્યવાહી જાળવી રાખીને, ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) એ ભારતથી સાઉદી અરેબિયામાં મોટા પ્રમાણમાં મેથમફેટામાઈન (Methamphetamine) નો ગેરકાયદે નિકાસ કરવાનો, એક મોટો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો છે.

DRIએ ગુપ્ત માહિતીથી ઓપરેશન પાર પાડ્યુ

16-17 ઓગસ્ટ 2026 દરમિયાન DRI દ્વારા ગુપ્ત માહિતીના આધારે હાથ ધરવામાં આવેલા એક ઓપરેશનમાં, ન્હાવાશેવા બંદર (Nhava Sheva Port) ખાતે એક નિકાસ કન્સાઇનમેન્ટમાંથી પાવડર સ્વરૂપમાં આશરે 56 કિલો મેથમફેટામાઈન જપ્ત કરવામાં આવ્યું હતું. આ નશીલો પદાર્થ કન્સાઇનમેન્ટમાં રહેલી 351 ગુણીઓમાંથી એકમાં મકાઈ સાથે અત્યંત ચતુરાઈપૂર્વક મિશ્રિત કરવામાં આવ્યો હતો. રિકવર કરાયેલ મેથમફેટામાઈન નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબ્સ્ટન્સ (NDPS) એક્ટ, 1985ની જોગવાઈઓ હેઠળ જપ્ત કરવામાં આવ્યું હતું.

NDPS એક્ટ હેઠળ બન્ને શખ્સોની ધરપકડ

ઝડપી તપાસને પગલે આ કામગીરીમાં સામેલ નિકાસકાર અને ટ્રાન્સપોર્ટર/ફ્રેટ ફોરવર્ડરની ઓળખ થઈ શકી હતી. તપાસમાં સામે આવ્યું છે કે, ટ્રાન્સપોર્ટર/ફ્રેટ ફોરવર્ડર નિકાસ કન્સાઇનમેન્ટના પરિવહન અને કસ્ટમ્સ ક્લિયરન્સ માટે વિદેશી ખરીદદાર સાથે સંકલન કરી રહ્યો હતો. ગેરકાયદે તસ્કરીના પ્રયાસમાં તેમની ભૂમિકાના આધારે, NDPS એક્ટ, 1985ની જોગવાઈઓ હેઠળ બંને વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે.

છુપાવવાની MOનો પર્દાફાશ

ભેજાબાજોએ મકાઈ સાથે મોટી માત્રામાં મેથમફેટામાઈનને અવિભાજ્ય રીતે મિશ્રિત કરી અને કન્સાઇનમેન્ટને સામાન્ય કૃષિ કોમોડિટી તરીકે દર્શાવી હતી. જેથી નિકાસ દરમિયાન નિયમિત તપાસ અને પકડાઈ જવાથી બચી શકાય, જોકે DRIની ટીમે જીણવટપૂર્વક તપાસ કરતા સમગ્ર મોડસ ઓપરેન્ડીનો ભાંડો ફૂટ્યો હતો.

જીવલેણ બની શકે છે ડ્રગ્સ

મેથમફેટામાઈન એ અત્યંત શક્તિશાળી સિન્થેટિક સાયકોસ્ટીમ્યુલન્ટ છે, તેનો ગેરકાયદે ઉપયોગ હૃદયના ધબકારા અને બ્લડ પ્રેશરમાં વધારો, ઉત્તેજના, પેરાનોઇયા, સાયકોસિસ અને અન્ય ગંભીર સ્વાસ્થ્ય જટિલતાઓ સહિત ગંભીર શારીરિક અને માનસિક અસરો પેદા કરી શકે છે. લાંબા સમય સુધી અથવા વારંવાર ઉપયોગ કરવાથી ડ્રગ્સ પર નિર્ભરતા અને સ્વાસ્થ્ય તથા કાર્યક્ષમતામાં નોંધપાત્ર નુકસાન થઈ શકે છે.