Gujarat

ચૂંટણી અગાઉ મતદારોને આકર્ષવાનો પ્રયાસ , થલતેજ વોર્ડમાં આઠ કરોડના ખર્ચે RCC રોડ બનાવાશે

By GS TEAM
9 Jan 20262 mins read
ચૂંટણી અગાઉ મતદારોને આકર્ષવાનો પ્રયાસ , થલતેજ વોર્ડમાં આઠ કરોડના ખર્ચે RCC રોડ બનાવાશે

 અમદાવાદ,શુક્રવાર,9 જાન્યુ,2026

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વર્તમાન ટર્મ પુરી થવા તરફ છે.કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી પહેલા સત્તાધારી પક્ષના હોદ્દેદારોએ મતદારોને આકર્ષવાના પ્રયાસ શરુ કરી દીધા છે.થલતેજ વોર્ડમાં રુપિયા આઠ કરોડના ખર્ચથી આર.સી.સી. રોડ બનાવવા અને પેવરબ્લોક નાંખવા સ્ટેન્ડિંગ કમિટીમા તાકીદની દરખાસ્ત મંજૂર કરાઈ છે.નોંધપાત્ર બાબત એ છે કે આ કામગીરી સિંગલ ટેન્ડરથી કોન્ટ્રાકટર બુકોન એન્જિનીયર્સને અપાઈ છે.જેમા કોન્ટ્રાકટરને અંદાજથી વધુ ૧૨ ટકા રકમ તથા જી.એસ.ટી. અલગથી ચૂકવાશે.

૮ જાન્યુઆરીએ મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં થલતેજ વોર્ડમાં હીરક એપાર્ટમેન્ટથી ગુરુકુળ રોડ, શ્રેયા અમલ્ગાથી પુરુષોત્તમ બંગલોઝથી રબારીવાસ રોડ તથા જુદી જુદી જગ્યાએ આર.સી.સી.રોડ બનાવવા તેમજ પેવરબ્લોક નાંખવા બે વખત ટેન્ડર કરાયુ હતુ. દરખાસ્તમાં કરવામા આવેલા ઉલ્લેખ મુજબ એક માત્ર કવોલીફાય એવા કોન્ટ્રાકટરને આ કામગીરી આપવા મંજૂરી અપાઈ છે.કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી જાહેર થશે એ અગાઉ  કોર્પોરેશનની વિવિધ કમિટીઓમાં આ પ્રમાણે સિંગલ ટેન્ડર કે અંદાજથી વધુ રકમથી રોડ કે અન્ય કામગીરી માટેના કરોડો રુપિયાના કામોને સત્તાધારી પક્ષ  ગુપચૂપ રીતે મંજૂરી આપી દેશે તે નિશ્ચિત છે.

રોગચાળો નાથવાના બદલે રોડને મહત્વ, વિપક્ષનુ પણ ભેદી મૌન

અમદાવાદમા છેલ્લા કેટલાક સમયથી પાણીજન્ય ઝાડા ઉલટી,ટાઈફોઈડ,કમળા જેવા રોગના કેસ સતત વધી રહયા છે. આ પરિસ્થિતિમાં સત્તાપક્ષ સ્ટેન્ડિંગ કમિટીમા તાકીદના એજન્ડા ઉપર મંજૂર કરાયેલી દરખાસ્ત રોકી રોગચાળાને નિયંત્રણમાં લેવાની બાબતને મહત્વ આપી શકયુ હોત.પણ તેમણે આઠ કરોડના રોડને મહત્વ આપ્યુ. જયારે કોર્પોરેશનનમાં રોડ ,વોટર સપ્લાય  અને સ્ટેન્ડિંગ કમિટીમા કરોડો રુપિયાના કામ સિંગલ ટેન્ડર કે અંદાજથી વધુ ભાવથી મંજૂર કરાતા હોવા છતાં પ્રતિક્રીયા આપવાના બદલે વિપક્ષ પણ ભેદી મૌન સેવે છે તે બાબત મ્યુનિ.વર્તુળોમા ચર્ચાનો વિષય બનવા પામ્યો છે.