Get The App

ATSનું મેગા ઓપરેશન: ગુજરાત-રાજસ્થાન બોર્ડર પરથી રૂ.25 કરોડનું મેથામ્ફેટામાઈન ઝડપાયું, પાકિસ્તાની ડ્રગ્સ સિન્ડિકેટનો પર્દાફાશ

Updated: Apr 7th, 2026

GS TEAM

Google News
Google News
ATSનું મેગા ઓપરેશન: ગુજરાત-રાજસ્થાન બોર્ડર પરથી રૂ.25 કરોડનું મેથામ્ફેટામાઈન ઝડપાયું, પાકિસ્તાની ડ્રગ્સ સિન્ડિકેટનો પર્દાફાશ 1 - image


ATS Drug Seizure: ગુજરાત અને રાજસ્થાન એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)એ એક સંયુક્ત ઓપરેશન હાથ ધરીને આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સ્મગલિંગ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. પાકિસ્તાન સરહદેથી ભારતમાં ઘુસાડવામાં આવેલ અંદાજે 25 કરોડ રૂપિયાની કિંમતનો 5 કિલો 'મેથામ્ફેટામાઈન' ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ ઓપરેશનમાં રાજસ્થાનના બારમેરના બે શખસોની રંગેહાથ ધરપકડ કરવામાં આવી છે.

નેશનલ હાઈવે 68 પર ફિલ્મી ઢબે નાકાબંધી

ગુજરાત એટીએસને ચોક્કસ બાતમી મળી હતી કે રાજસ્થાનના બે શખસો પાકિસ્તાની સ્મગલરો પાસેથી નશીલો પદાર્થ મેળવીને ગુજરાત તરફ ડિલિવરી આપવા જઈ રહ્યા છે. આ માહિતીના આધારે બંને રાજ્યોની એજન્સીઓએ જેસલમેર અને બનાસકાંઠાને જોડતા નેશનલ હાઈવે 68 પર સઘન વોચ ગોઠવી હતી. છઠ્ઠી એપ્રિલ 2026ના રોજ સાંજે વાહન ચેકિંગ દરમિયાન એક શંકાસ્પદ ઇકો કારમાંથી પીળા રંગની થેલીમાં સંતાડેલો 5 કિલો ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો.

આરોપીઓની ધરપકડ અને પાકિસ્તાની કનેક્શન

ATSની ટીમે કારમાં સવાર શંકરરામ રમેશરામ અને સલમાન લાલાખાનની ધરપકડ કરી છે. આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે કે, આ ડ્રગ્સ પાકિસ્તાનના થારપારકર વિસ્તારમાં રહેતા 'મસાત સઓ મુબારક' નામના શખસે સરહદ પાર કરાવીને બારમેર જિલ્લામાં ડ્રોપ કર્યું હતું. આરોપીઓએ ત્યાંથી આ જથ્થો મેળવી આગળ મોકલવાનું આયોજન કર્યું હતું.

ડિજિટલ પુરાવા અને કાયદેસરની કાર્યવાહી

આરોપીઓ સામે બારમેરના સદર પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. તપાસ એજન્સીઓએ આરોપીઓના મોબાઈલ ફોનમાંથી વોટ્સએપ ચેટ, કોલ રેકોર્ડ્સ અને ડ્રગ્સ ડિલિવરીના વીડિયો જેવા મહત્ત્વના પુરાવાઓ કબજે કર્યા છે. હાલમાં આ ઇન્ટરનેશનલ સિન્ડિકેટના મૂળ સુધી પહોંચવા અને અન્ય કયા લોકો આ નેટવર્ક સાથે જોડાયેલા છે તે દિશામાં તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે.

હાલ બંને સામે રાજસ્થાનના બારમેર જિલ્લાના સદર બારમેર પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટની વિવિધ કલમો (8, 21, 22, 23, 25, 28, 29) હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.