Gujarat

વડોદરામાં જન મહેલ સીટી બસના મુસાફરોને હેરાનગતિ

By GS Team
3 Jan 20222 mins read
This article was originally published on 3 Jan 2022
વડોદરામાં જન મહેલ સીટી બસના મુસાફરોને હેરાનગતિ

- સીટી બસ જ્યાંથી નીકળે છે ત્યાંથી મુસાફરોને જન મહેલમાં જવા બંધ કરી દેવાયું, પાછળથી ફરીને જવા સૂચના આપવા બાઉન્સરો અને સિક્યુરિટી ગોઠવાઈ

વડોદરા, તા. 03 જાન્યુઆરી 

વડોદરામાં રેલવે સ્ટેશન પાસે આવેલા જન મહેલ સીટી બસ હબમાં સીટી  બસના રૂટ મુજબ ટાઈમટેબલ અગાઉ જે લગાવ્યા હતા,  એ ટાઈમ ટેબલ થોડા સમય અગાઉ નીચે ઉતરાવી લીધા હોવાથી મુસાફરો ને મુશ્કેલી પડે છે અને, ટાઈમ ટેબલો લગાવવાનો પ્રશ્ન હલ થયો નથી ત્યાં તો મુસાફરોને જન મહેલના મેન ગેટ થી સીટી  બસો જ્યાંથી બહાર નીકળે છે  ત્યાંથી આવવા જવાનું બંધ કરી દેવાતાં મુસાફરો હેરાન થઇ રહ્યા છે .મુસાફરોને પાછળથી ફરીને  આવવાનું કહેવામાં આવે છે અને આ માટે સિક્યુરિટી અને બાઉન્સર પર ગોઠવી દેવાયા છે. સીટી બસ નું જુનુ બસ સ્ટેશન હતું તેની સામે જન મહેલનો મુખ્ય ગેટ છે, ત્યાંથી સીટી બસો બહાર નીકળે છે . મુસાફરો સામાન્ય રીતે અહીંથી આવ-જા કરતા હતા,પરંતુ છેલ્લા બે દિવસથી મુસાફરોને અહીંથી નીકળવું નહીં અને પાછળથી ફરીને  જવું તેવી સ્પષ્ટ સૂચના આપવામાં આવી રહી છે. પાછળની સાઈડમાં જન મહેલ માં આવતી સિટી બસનો જે એન્ટ્રીનો રસ્તો છે ત્યાંથી પણ મુસાફરોને પસાર થવા દેવાતા નથી અને ફરજિયાત એસ.ટી.ડેપોમાં થઈને સીટી બસ માટે જવા સુચના આપવા બાઉન્સરો અને સિક્યુરિટી વ્યસ્ત કરાયા છે .   જેથી મુસાફરોમાં કચવાટ ફેલાયો છે.


મુસાફરો પણ અમારા પાસે રજૂઆતો કરવા દોડી આવે છે એમ કહેતા સીટી બસ સંચાલકએ જણાવ્યું હતું કે અગાઉ  ટાઇમટેબલ મુકવાનો પ્રશ્ન હલ થયો નથી, ત્યાં આ બીજી રામાયણ શરૂ થઇ છે. મુસાફરો માટેનો સરળ રસ્તો બંધ થતાં તેઓ પણ તકલીફ અનુભવી રહ્યા છે. અમારું પણ કોઈ સાંભળતું નથી .કેમકે અગાઉ ટાઈમ ટેબલ મૂકવા માટેની લેખિત રજૂઆત કરવા છતાં પણ હજી તે પ્રશ્ન હલ થયો નથી , પાર્કિંગની વ્યવસ્થા કરવા પણ રજૂઆત કરી છે.