Get The App

આણંદ જિ.પં માં હાઈ વોલ્ટેજ ડ્રામા: BJP ઉમેદવારનું ફોર્મ રદ થયું છતાં બન્યાં પ્રમુખ! હાઈકોર્ટના આદેશે કોંગ્રેસના સપનાં રોળ્યા

Updated: May 25th, 2026

GS TEAM

Google News
Google News
આણંદ જિ.પં માં હાઈ વોલ્ટેજ ડ્રામા: BJP ઉમેદવારનું ફોર્મ રદ થયું છતાં બન્યાં પ્રમુખ! હાઈકોર્ટના આદેશે કોંગ્રેસના સપનાં રોળ્યા 1 - image

Anand District Panchayat: આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખ પદની ચૂંટણીને લઈને છેલ્લા બે દિવસથી ચાલી રહેલા ભારે રાજકીય ગરમાવા અને કાનૂની લડાઈનો આખરે અંત આવ્યો છે. ગુજરાત હાઈકોર્ટે આપેલી વચગાળાની રાહત બાદ, ભારતીય જનતા પાર્ટી (BJP)ના મહિલા ઉમેદવાર મયુરીબહેન પટેલ આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા છે. આ સાથે જ કોંગ્રેસના ઉમેદવાર બિનહરીફ જીત્યા હોવાની વહેતી થયેલી ચર્ચાઓ પર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે.

વિવાદની શરૂઆત: જાતિના પ્રમાણપત્ર પર ઉઠ્યો વાંધો

આણંદ જિલ્લા પંચાયતમાં પ્રમુખની ખુરશી અનુસૂચિત જનજાતિ (ST) માટે અનામત રાખવામાં આવી છે. ભાજપે આ બેઠક માટે મયુરીબહેન પટેલને પોતાના ઉમેદવાર બનાવ્યા હતા. મયુરીબહેન મૂળ મહારાષ્ટ્રના વતની છે અને તેમણે ગુજરાતમાં પટેલ જ્ઞાતિમાં લગ્ન કર્યા છે. ફોર્મ ભરતી વખતે મયુરીબહેને મહારાષ્ટ્ર સરકાર દ્વારા ઈસ્યુ કરાયેલું "ભીલ અનુસૂચિત જનજાતિ"નું પ્રમાણપત્ર રજૂ કર્યું હતું, જેની સામે કોંગ્રેસે સખત વાંધો ઉઠાવ્યો હતો.

24 મે, 2026ના રોજ આણંદના ચૂંટણી અધિકારી (DDO) સમક્ષ બંને પક્ષોના વકીલોએ દલીલો કરી હતી. અંતે, ડીડીઓએ જણાવ્યું કે ગુજરાત સરકારના પ્રવર્તમાન નિયમો અનુસાર અન્ય રાજ્યનું અનામત પ્રમાણપત્ર ગુજરાતમાં માન્ય રાખી શકાય નહીં. આ આધારે મયુરીબહેનનું ફોર્મ રદ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: ચૂંટણી બાદ પેટ્રોલ-ડીઝલમાં ચોથીવાર ભાવવધારો: પંપ પર 'નો સ્ટોક'ના પાટિયા, રૂ.1000ની લિમિટથી વાહનચાલકો ત્રાહિમામ

ભાજપે ખખડાવ્યા હાઈકોર્ટના દ્વાર

ઉમેદવારી ફોર્મ રદ થતાં જ રાજકીય માહોલ ગરમાયો હતો અને ભાજપે તાત્કાલિક ગુજરાત હાઈકોર્ટમાં રીટ પિટિશન દાખલ કરી હતી. અદાલતમાં દલીલ કરવામાં આવી કે 'ભીલ' જ્ઞાતિ રાષ્ટ્રપતિના આદેશો અનુસાર ગુજરાત અને મહારાષ્ટ્ર બંને રાજ્યોમાં માન્ય અનુસૂચિત જનજાતિ છે. હાઈકોર્ટે નોંધ્યું કે આ મામલો કાનૂની રીતે ઊંડાણપૂર્વક ચકાસવા યોગ્ય છે કે અન્ય રાજ્યનું પ્રમાણપત્ર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં માન્ય રહે કે નહીં. હાઈકોર્ટે સામાવાળાઓને નોટિસ પાઠવીને આગામી સુનાવણી 8 જૂન, 2026 પર નિયત કરી છે, પરંતુ તે પહેલાં મયુરીબહેનને મોટી વચગાળાની રાહત આપતાં તેમનું ફોર્મ માન્ય રાખવાનો આદેશ કર્યો હતો.

ચૂંટણી યોજાઈ અને મયુરીબહેન વિજેતા બન્યા

ગુજરાત હાઈકોર્ટના ચુકાદા બાદ આજે, 25 મે, 2026ના રોજ આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખ પદ માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આણંદ જિલ્લા પંચાયતમાં ભાજપ પાસે જંગી બહુમતી હોવાના કારણે, હાઈકોર્ટના આદેશથી ચૂંટણી લડનારા મયુરીબહેન પટેલ ભવ્ય મતોથી વિજેતા જાહેર થયા છે અને તેમણે પ્રમુખ પદનો તાજ મેળવ્યો છે.

આ સમગ્ર ઘટનાક્રમે સાબિત કર્યું છે કે કાનૂની દાવપેચ અને યોગ્ય સમયે લેવાયેલા નિર્ણયો રાજકીય ચિત્રને કેવી રીતે પલટી શકે છે. હાલ પૂરતું ભાજપે આણંદ જિલ્લા પંચાયત પર પોતાનો ભગવો લહેરાવી દીધો છે.