Gujarat

મવડીમાં સરકારી જમીન ઉપર આખો પાર્ટી પ્લોટ ખડકી દીધો

By GS TEAM
26 Mar 20261 min read
મવડીમાં સરકારી જમીન ઉપર આખો પાર્ટી પ્લોટ ખડકી દીધો

આરોપી સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો નોંધાયો

અનેક વખત નોટિસો આપવા છતાં આરોપીએ ફેન્સિંગ દૂર કરી બીજું દબાણ દૂર ન જ કર્યું

રાજકોટ: મવડીમાં સરકારી જમીન ઉપર પાર્ટી પ્લોટ ખડકી દેનાર ગોરધન ઉકાભાઇ મેઘાણી વિરુદ્ધ રાજકોટ તાલુકા પોલીસ મથકમાં લેન્ડ ગ્રેબીંગ હેઠળ ફરિયાદ નોંધાઇ છે. જેના આધારે પોલીસે આરોપીને સકંજામાં લઇ તપાસ આગળ ધપાવી છે.

દક્ષિણ વિભાગના મામલતદાર રાજેન્દ્રસિંહ સરવૈયાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, મવડીનાં રેવન્યુ સર્વે નંબર ૧૯૪ પૈકીની જમીનમાં આરોપીએ સિટી લાઇટ પાર્ટી પ્લોટ ખડકી દઇ તેમાં ફોલ્ડીંગ દિવાલ, મકાન, ઓફીસ, પાણીનો મોટો ટાંકો, ઇલેક્ટ્રીક રૂમ, પાર્કિંગ બનાવી નાખ્યું હતું. જેથી જે તે વખતે આરોપીને મહેસુલ જમીન કાયદાની કલમ હેઠળ સાંભળવાની અને આધાર પુરાવા રજૂ કરવાની તક આપી હતી.

જેની સામે આરોપીના પુત્ર હિતેશે સ્વેચ્છાએ દબાણ દૂર કરવાની બાંહેધરી આપી હતી. આમ છતાં આરોપીએ તમામ દબાણ નહીં માત્ર પશ્ચિમ દિશા તરફની ફેન્સીંગ જ દૂર કરી હતી. જેના પગલે આરોપીને અવારનવાર નોટીસો આપવામાં આવી હતી. આમ છતાં આરોપી દ્વારા દબાણ દૂર નહીં કરાતા આખરે તેના વિરુદ્ધ લેન્ડ ગ્રેબીંગ હેઠળ કાર્યવાહી માટે તજવીજ કરવામાં આવી હતી. 

તાજેતરમાં કમિટિએ ફરિયાદ દાખલ કરવાનો અભિપ્રાય આપતા તેના આધારે આરોપી સામે લેન્ડ ગ્રેબીંગ હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.