નોકરીમાં જોડાયાના 20 દિવસમાં જ ખેલ પડયો : ATMમાં જમા કરેલી રકમમાંથી બાકી બચેલા રૂા. 1.1 કરોડને બદલે રૂા. 91 લાખ જ જમા કરાવ્યા : બીજા દિવસે ભાંડો ફૂટયો
રાજકોટ, : રાજકોટમાં અલગ-અલગ બેંકોના એટીએમમાં રૂપિયા ભરવાનું અને સીડીએમ મશીનમાં ગ્રાહકોએ જમા કરાવેલા રૂપિયા ઉપાડી જે-તે બેંકમાં જમા કરાવવાનું કામ કરતી સીએમએસ ઇન્ફો સીસ્ટમ નામની કંપનીમાં ૨૦ દિવસ પહેલા જ કસ્ટોડીયલ તરીકે નોકરીમાં જોડાયેલા મુળ વેરાવળના સાગર પરસોત્તમભાઈ દેવળિયા નામના કર્મચારીએ રૂા.૧૦ લાખ બારોબાર સેરવી લીધાનો ભાંડો ફૂટતા પોલીસ ફરિયાદ નોંધવવામાં આવી છે. તેણે સિફતપૂર્વક રૂા. 1.10 કરોડને બદલે રૂા. 91 લાખ જ જમા કરાવ્યા હતા, પણ બીજા દિવસે ગણતરી કરતા ભાંડો ફૂટયો હતો.
અહીં જામનગર રોડ પર ગાયત્રીધામ સોસાયટીમાં રહેતાં સીએમએસ ઇન્ફો સીસ્ટમ કંપનીના મેનેજર ગોપાલસિંહ ઝાલાએ મવડીમાં ઓમનગર-૬ ખાતે મામા કાંતિભાઇ માલવીયાના મકાનમાં રહેતાં મુળ વેરાવળના સાગર દેવળીયા વિરૂધ્ધ રૂા. 10 લાખની છેતરપિંડી અને ઉચાપત ફરિયાદ નોંધવી છે. જેમાં જણાવ્યું છે કે, સીએમએસ કંપનીમાં સાગર દેવળીયા 20 દિવસ પહેલા કસ્ટોડીયલ તરીકે નોકરીમાં રહ્યો હતો. જેનો માસિક પગાર રૂા. 11,500 છે. તા. 2 રોજ એસબીઆઇ મેઇન બ્રાંચમાંથી રૂા. 4 કરોડ મેળવીને 2 ભાગ પાડયા હતાં. જેમાં એક ભાગના રૂપિયા લઈને એસબીઆઇના અલગ અલગ એટીએમમાં લોડ કરવા 5 કર્મચારીઓ નીકળ્યા હતાં.
પહેલા રૂટમાં રૂા. 2 કરોડ 70 લાખ હતાં. બીજા રૂટમાં રૂા. 1 કરોડ 30 લાખ અલગ અલગ એટીએમમાં લોડ કરવાના હતાં, જેમાં બોલેરો ગાડીમાં કસ્ટોડીયન તરીકે સાગર દેવળીયા ઉપરાંત ડ્રાઈવર અને સિક્યુરીટી ગાર્ડ સહિત 4 લોકો હતા. તેઓ એસબીઆઇની યાદી મુજબના 14 એટીએમમાં રૂપિયા જમા કરવા ગયા હતાં. જ્યાંથી પરત આવીને કસ્ટોડીયન સાગર દેવળીયાએ બાકી વધેલા રૂા. 91 લાખ રૂપિયા CMC ઓફિસમાં જમા કરાવ્યા હતાં. જો કે, બીજા દિવસે તા. 3ના રોજ ઓફિસમાં ગણતરી વખતે રૂા. 10 લાખની ઘટ આવતા ખબર પડી કે કસ્ટોડીયન તરીકે સાગરે રૂા. 1.01 કરોડની રકમ જમા કરાવવાને બદલે રૂા. 10 લાખ સેરવી લઈને રૂા. 91 લાખ જ જમા કરાવ્યા હતા. આથી ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવતા તપાસ શરૂ કરી છે.


