Gujarat

અમરેલી: 4 દિવસમાં 3 હુમલા અને 2 મોત બાદ વનવિભાગ સફાળું જાગ્યું, બગસરામાં દીપડાના આંટાફેરાથી ફફડાટ

By GS TEAM
29 Nov 20252 mins read
TukuTouch Logo
અમરેલી જિલ્લામાં છેલ્લા થોડા દિવસોથી વન્યપ્રાણીઓ અને માનવ વસાહતો વચ્ચેનો સંઘર્ષ ચરમસીમા પર પહોંચ્યો છે. સિંહ અને દીપડાના હુમલાની ઉપરાઉપરી ત્રણ ઘટનાઓ બન્યા બાદ વનવિભાગ આખરે સફાળું જાગ્યું છે અને હવે ગામડાઓમાં જનજાગૃતિની કવાયત હાથ ધરી છે. જોકે, બીજી તરફ બગસરાના રહેણાંક વિસ્તારોમાં હજુ પણ દીપડાના આંટાફેરા ચાલુ રહેતા લોકોમાં ભયનો માહોલ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમરેલી: 4 દિવસમાં 3 હુમલા અને 2 મોત બાદ વનવિભાગ સફાળું જાગ્યું, બગસરામાં દીપડાના આંટાફેરાથી ફફડાટ

Amreli News: અમરેલી જિલ્લામાં છેલ્લા થોડા દિવસોથી વન્યપ્રાણીઓ અને માનવ વસાહતો વચ્ચેનો સંઘર્ષ ચરમસીમા પર પહોંચ્યો છે. સિંહ અને દીપડાના હુમલાની ઉપરાઉપરી ત્રણ ઘટનાઓ બન્યા બાદ વનવિભાગ આખરે સફાળું જાગ્યું છે અને હવે ગામડાઓમાં જનજાગૃતિની કવાયત હાથ ધરી છે. જોકે, બીજી તરફ બગસરાના રહેણાંક વિસ્તારોમાં હજુ પણ દીપડાના આંટાફેરા ચાલુ રહેતા લોકોમાં ભયનો માહોલ છે.

મોત બાદ તંત્ર જાગ્યું: 'ઘોડા છૂટી ગયા પછી તબેલે તાળા' 

છેલ્લા 4 દિવસમાં જ વન્યપ્રાણીઓના હુમલાની 3 ઘટનાઓ બની છે, જેમાં 2 નિર્દોષ નાગરિકોના મોત નિપજ્યા છે. આ ગંભીર ઘટનાઓ બાદ વનવિભાગ હરકતમાં આવ્યું છે. ધારી ગીર પૂર્વના ગામડાઓમાં વનવિભાગે જનજાગૃતિ કાર્યક્રમો શરૂ કર્યા છે. ધારીના ગરમલી ખાતે સ્થાનિકો સાથે બેઠક યોજી, વન્યપ્રાણીઓના હુમલાથી બચવા શું કરવું અને શું સાવચેતી રાખવી તે અંગે સમજણ આપી હતી. જોકે, બે વ્યક્તિઓના જીવ ગયા બાદ શરૂ થયેલી આ કામગીરીને લોકો 'ઘોડા છૂટી ગયા પછી તબેલે તાળા મારવા' સમાન ગણાવી રહ્યા છે.

બગસરામાં સોસાયટીની દીવાલ પર દીપડો: વીડિયો વાયરલ 

એક તરફ વનવિભાગ જાગૃતિ ફેલાવી રહ્યું છે, તો બીજી તરફ વન્યપ્રાણીઓનો ખૌફ ઓછો થવાનું નામ નથી લેતો. બગસરા શહેરમાં જેતપુર રોડ પર આવેલી વ્રજભૂમિ સોસાયટીના રહેણાંક વિસ્તારમાં શિકારની શોધમાં એક દીપડો ચડી આવ્યો હતો. સોસાયટીની દીવાલ પર દીપડો આંટાફેરા મારતો હોવાનો વીડિયો પણ વાયરલ થયો છે.

ભરચક રહેણાંક વિસ્તારમાં વન્ય પ્રાણીના મુક્ત વિહારને કારણે સ્થાનિકોમાં જબરદસ્ત ફફડાટ ફેલાયો છે. કોઈ માનવ જીવન પર હુમલો થાય તે પહેલા વનવિભાગ આ દીપડાને તાત્કાલિક ઝડપી લે અને પાંજરે પૂરે તેવી પ્રબળ લોકમાંગ ઉઠી છે.