Get The App

અમરેલી: ભાજપ શાસનમાં ભાજપના જ MLA-પૂર્વ નેતાઓનો પોલીસ સામે મોરચો, જામીન પર છૂટેલા ધારાસભ્ય પણ જોડાયા!

Updated: Jun 12th, 2026

GS TEAM

Google News
Google News
અમરેલી: ભાજપ શાસનમાં ભાજપના જ MLA-પૂર્વ નેતાઓનો પોલીસ સામે મોરચો, જામીન પર છૂટેલા ધારાસભ્ય પણ જોડાયા! 1 - image

Amreli News: અમરેલી જિલ્લાના ધારી પંથકમાં અસામાજિક તત્ત્વો અને લુખ્ખાગીરીનો આતંક ચરમસીમાએ પહોંચ્યો છે. ધારીના વેકરીયાપરા વિસ્તારમાં ગઈકાલે બે નિર્દોષ ખેડૂતો પર અસામાજિક તત્ત્વોએ બેફામ હુમલો કરી ગંભીર માર માર્યો હતો. ઇજાગ્રસ્ત થયેલા બંને ખેડૂતો હાલ અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકના ખેડૂતો અને સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. ચોંકાવનારી વાત એ છે કે, ભાજપ સરકાર હોવા છતાં ભાજપના જ વર્તમાન ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્યોને પોલીસ તંત્રની નિષ્ક્રિયતા સામે મેદાને આવવું પડ્યું છે.

ખાદીના ખાખી સામે આકરા પ્રહાર: 'પોલીસની મીઠી નજર હેઠળ ચાલે છે દારૂના અડ્ડા'

ખેડૂતો પર થયેલા હુમલાના વિરોધમાં અને ધારીમાં કાયદો-વ્યવસ્થાની કથળેલી સ્થિતિને લઈને આજે મોટી સંખ્યામાં ખેડૂતો અને મહિલાઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. ખેડૂતો, વેપારી મંડળ (ચેમ્બર્સ ઓફ કોમર્સ) અને રાજકીય નેતાઓએ સાથે મળીને તંત્રને એક આવેદનપત્ર પાઠવ્યું હતું. આ રેલીમાં સત્તાધારી પક્ષ ભાજપના નેતાઓએ જ પોતાની જ પોલીસ સામે ગંભીર આક્ષેપો કર્યા હતા કે, ધારી પંથકમાં પોલીસની મીઠી નજર તળે ખુલ્લેઆમ દારૂનું દૂષણ અને અડ્ડાઓ ચાલી રહ્યા છે, જેના કારણે અસામાજિક તત્ત્વો બેફામ બન્યા છે.

અમરેલી: ભાજપ શાસનમાં ભાજપના જ MLA-પૂર્વ નેતાઓનો પોલીસ સામે મોરચો, જામીન પર છૂટેલા ધારાસભ્ય પણ જોડાયા! 2 - image

જામીન પર છૂટેલા ધારાસભ્યએ ગુંડાગીરીનો કર્યો વિરોધ

આ જનઆક્રોશમાં હાલમાં જામીન પર છૂટેલા ધારીના વર્તમાન ભાજપના ધારાસભ્ય જે.વી. કાકડિયા, પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા તેમજ પૂર્વ ધારાસભ્ય મનસુખ ભુવા સહિતના દિગ્ગજ નેતાઓ પણ જોડાયા હતા. તેમણે પોલીસ તંત્રને ચીમકી આપી હતી કે ધારી પંથકમાંથી દારૂના દૂષણના અડ્ડા તાત્કાલિક બંધ કરાવાય, નહીં તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરાશે.

આ પણ વાંચો: VIDEO| અમદાવાદ પ્લેન ક્રેશ: 'વળતરના 1.25 કરોડ મળતા જ જમાઈએ 6 મહિનામાં બીજા લગ્ન કરી લીધા', દીકરી ગુમાવનાર માતાનું આક્રંદ

ભાજપના જ રાજમાં ભાજપના નેતાઓ પોલીસ સામે લડત લડવા મજબૂર!

રાજકીય વિશ્લેષકોના મતે આ ઘટનાએ સ્થાનિક રાજકારણમાં મોટો ગરમાવો લાવી દીધો છે. રાજ્યમાં ભાજપની સરકાર હોવા છતાં, પોતાના જ વિસ્તારમાં અસામાજિક તત્ત્વોની ગુંડાગર્દી રોકવા માટે ભાજપના જ ધારાસભ્યો અને પૂર્વ ધારાસભ્યોએ જનમેદની સાથે મળીને વહીવટી તંત્રને આવેદનપત્ર આપવું પડે, તે પોલીસ તંત્રની કામગીરી સામે મોટા સવાલો ઊભા કરે છે. હાલમાં ખેડૂતો પર હુમલો કરનારા તત્ત્વો સામે કડક પગલાં ભરવાની માંગણી સાથે ધારીમાં ભારે તંગદિલીભર્યો માહોલ જોવા મળી રહ્યો છે.