અમદાવાદ,બુધવાર,20
મે,2026
અમદાવાદના ગ્રીન કવરમા વધારો કરવા આ વર્ષે પચાસ લાખ
રોપાં-વૃક્ષો વાવવાનુ આયોજન કરાઈ રહયુ છે.વાસ્તવિકતા એ છે કે, થલતેજ વોર્ડમાં
એવલોન હોટલથી તક્ષશીલા રોડ ઉપર આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના આશરે ૮૭૯૮
ચોરસમીટરના પ્લોટને ફુલોમાંથી અગરબત્તી
બનાવવાના નામે એજન્સીને પધરાવી દેવાયો છે.રહેણાંક વિસ્તારમા આવેલા આ પ્લોટમાં દસ
વર્ષથી પણ વધુ જુના એવા પચાસથી વધુ વૃક્ષોનુ નિકંદન કાઢી નાંખવામા આવતા સ્થાનિક
રહીશોએ કોર્પોરેશનના આ નિર્ણયનો ઉગ્ર વિરોધ કર્યો છે.જો કોર્પોરેશન નિર્ણયમાં
ફેરબદલ નહીં કરે તો આંદોલન કરવાની પણ રહીશોની તૈયારી હોવાનુ આધારભૂતસૂત્રોમાંથી
જાણવા મળ્યુ છે.
થલતેજ વોર્ડમાં આવેલી ટી.પી.સ્કીમ નંબર-૩૭ના ફાઈનલ પ્લોટ
નંબર-૧૭૩માં દૈનિક ધોરણે ધાર્મિક સ્થાનોમાંથી
ઉત્પન્ન થતા ફૂલોનુ પ્રોસેસિંગ કરીને અગરબત્તી બનાવવા માટે ૨૨
સપ્ટેમબર-૨૫ની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ તરફથી એજન્સીને પ્લોટ ફાળવવા
ઉત્તર-પશ્ચિમ ઝોન એસ્ટેટ વિભાગને લેખિત રજૂઆત કરવામા આવી હતી.ઝોનના એસ્ટેટ વિભાગને
એ પણ ખબર હતી કે જે પ્લોટની સોલિડ વેસ્ટ વિભાગ તરફથી માંગણી કરવામા આવી રહી છે. એ
પ્લોટના પાર્ટ ભાગમાં મિયાવાંકી પધ્ધતિથી વૃક્ષારોપણ કરવામા આવ્યુ છે. આમ છતાં આ
પ્લોટ કે જેનો હેતુ નેબરહૂડ સેન્ટર માટેનો હતો તે એક મેટ્રીક ટન ફૂલોનુ પ્રોસેસિંગ
કરી અગરબત્તી બનાવવા માટ ઓમકાર એન્ટરપ્રાઈઝને નવ સપ્ટેમ્બર-૨૫ના રોજ એસ્ટેટ વિભાગ દ્વારા ફાળવી દેવામા આવ્યો
હતો.દરમિયાન રહેણાંક સોસાયટીઓના રહીશોને ધ્યાનમાં આ બાબત આવતા છેલ્લા દસેક દિવસથી
મ્યુનિસિપલ કોર્પોરેશન સામે વિરોધ વ્યકત કરાઈ રહયો છે.સ્થાનિક કોર્પોરેટરને આ
બાબતની જાણ થતા તેમણે હાલ પુરતી પ્લાન્ટ બનાવવાની કામગીરી અટકાવી દીધી છે.પ્રશ્ન એ
છે કે,શાલીગ્રામ
ફલોરા સોસાયટી ઉપરાંત બોગનવિલા એપાર્ટમેન્ટ,
શ્રીધરવિલા સોસાયટી સહિતની અન્ય સોસાયટીઓના રહીશોનો ઉગ્ર વિરોધ છે કે, અગરબત્તી
બનાવવાના નામે આ વિસ્તારમાં ઔદ્યોગિક પ્રદૂષણ જ કરાશે.
વૃક્ષો કાપવા બદલ મોટી રકમની પેનલ્ટી કરવા સ્થાનિકોની
માંગણી
થલતેજના રહેણાંક વિસ્તારમાં અગરબત્તી બનાવવા માટે પ્લાન્ટ શરુ
કરવા પચાસથી વધુ વૃક્ષો કાપી નાંખવામા આવ્યા છે. સ્થાનિકોની માંગણી મુજબ, મ્યુનિસિપલ
કોર્પોરેશનની એસ્ટેટ મધ્યસ્થ કચેરી દ્વારા એક વર્ષ અગાઉ મોટી સંખ્યામાં વૃક્ષોનુ
નિકંદન કાઢવા બદલ એક એજન્સીને પચાસ લાખ રુપિયા સુધીનો દંડ ફટકારવામા આવ્યો હતો.તેજ
પ્રમાણે આ એજન્સીને પણ મોટી રકમનો દંડ ફટકારી જેટલા વૃક્ષો કપાયા છે એથી બમણા
વૃક્ષો ઉગાડવાની સજા કરવી જોઈએ.
પ્લોટ ફાળવનાર એસ્ટેટ વિભાગે ઔદ્યોગિક પ્રવૃત્તિ બંધ કરાવવા
કહયુ
થલતેજના રહેણાંક વિસ્તારમાં ૯ સપ્ટેમ્બર-૨૫ના રોજ
એન્વાયરમેન્ટ એન્જિનિયર સોલિડ વેસ્ટ વિભાગ,આસિસ્ટન્ટ
મેનેજર સોલિડ વેસ્ટ, ડેપ્યુટી
ડાયરેકટર સોલિડ વેસ્ટ વિભાગ અને ડાયરેકટર સોલિડ વેસ્ટની ભલામણથી ઉત્તર-પશ્ચિમ ઝોન
એસ્ટેટ વિભાગે પ્લોટની ફાળવણી કરી હતી.એજ એસ્ટેટ વિભાગે રહેણાંક વિસ્તારમા ચાલતી
ઔદ્યોગિક પ્રવૃત્તિ અટકાવવા ૧૬ મે-૨૬ના રોજ ડાયરેકટર સોલિડવેસ્ટ મેનેજમેન્ટને
લેખિત ભલામણ કરી છે.


