Get The App

સાયલાની તમામ કવોરી અને ખાણો આજથી અચોક્કસ મુદત માટે બંધ

Updated: Feb 5th, 2026

GS TEAM

Google News
Google News
સાયલાની તમામ કવોરી અને ખાણો આજથી અચોક્કસ મુદત માટે બંધ 1 - image

- 2500 ડમ્પરોના પૈડાં થંભી ગયા, કરોડોનું ટર્નઓવર અટક્યું

- સરકાર સાથે થયેલા સમાધાન બાદ ઝોન, ખાડાની માપણી કરી દંડ ન કરવો સહિતના પ્રશ્નનો ઉકેલ ન આવતાં ક્વોરી ઉદ્યોગકારોનો નિર્ણય

સુરેન્દ્રનગર : સાયલા તાલુકામાં આજથી તમામ કવોરી અને ખાણોની કામગીરી સંપૂર્ણપણે બંધ રાખવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સાયલા ખાતે આવેલી ૧૦૦થી વધુ બ્લેક ટ્રેપ કવોરી, અંદાજે ૬૦ જેટલી પથ્થરની ખાણો તેમજ ખનન અને વહન સાથે સંકળાયેલા ૨૫૦૦ જેટલા ડમ્પરોની અવરજવર સંપૂર્ણ બંધ રહેશે. આ નિર્ણય સુરેન્દ્રનગર જિલ્લા બ્લેક ટ્રેપ કવોરી એસોસિએશન દ્વારા લેવામાં આવ્યો છે.

સાયલા એપીએમસી ખાતે જિલ્લા ક્વોરી એસોસિએશનના પ્રમુખ રૈયાભાઈ રાઠોડની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આ ઐતિહાસિક હડતાલનું એલાન કરવામાં આવ્યું હતું. ઉદ્યોગકારોનો આક્ષેપ છે કે વર્ષ ૨૦૨૨ અને ૨૦૨૪માં થયેલી હડતાલ દરમિયાન સરકારે પ્રશ્નો ઉકેલવાની ખાતરી આપી હતી, પરંતુ આજદિન સુધી કોઈ નક્કર અમલવારી કરવામાં આવી નથી. આ નિર્ણયને કારણે ૧૦૦થી વધુ ક્વોરીઓ, ૬૦ જેટલી ખાણો અને અંદાજે ૨૫૦૦ જેટલા ડમ્પરોનું પરિવહન સંપૂર્ણ બંધ રહેતા કરોડોના ટર્નઓવર પર અસર પડી છે.

ઉદ્યોગકારોની મુખ્ય માંગણીઓમાં ક્વોરી ઉદ્યોગને અલગ ઝોન જાહેર કરવો, ઈસી અને માઈનિંગ પ્લાનની જટિલતા દૂર કરવી, તેમજ ખાનગી જમીનોમાં લીઝ ફાળવણીનો સમાવેશ થાય છે. અગાઉ સરકાર સાથે થયેલી સમજૂતી મુજબ, અધિકારીઓ અને એસોસિએશનના સભ્યોની સંયુક્ત કમિટી બનાવી નવી પોલિસી નક્કી કરવાની હતી. જ્યાં સુધી પોલિસી ન બને ત્યાં સુધી ખાડા માપણી કે સ્ટોક ગણતરી કરી દંડ ન કરવાનું નક્કી થયું હતું, તેમ છતાં તંત્ર દ્વારા સતત માપણી અને દંડની કાર્યવાહી ચાલુ રખાતા ઉદ્યોગકારોમાં ભારે નારાજગી છે. જ્યાં સુધી લેખિતમાં સંતોષકારક ઉકેલ નહીં આવે ત્યાં સુધી હડતાલ ચાલુ રાખવાનો નિર્ધાર વ્યક્ત કરવામાં આવ્યો છે.