અમદાવાદ એરપોર્ટ પર એર ઈન્ડિયાની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ: સાઉદી અરેબિયાથી નવી દિલ્લી જતી ફ્લાઇટને ધમકી મળતાં નિર્ણય
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Air India Flight Emergency Landing At Ahmedabad Airport: અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એર ઈન્ડિયાની એક ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવતાં અફરાતફરી મચી ગઈ હતી. દમામ, સાઉદી અરેબિયાથી નવી દિલ્હી જઈ રહેલી આ ફ્લાઈટને બોમ્બ અથવા સુરક્ષા સંબંધિત ધમકી મળ્યા બાદ તુરંત જ અમદાવાદ એરપોર્ટ તરફ ડાયવર્ટ કરીને ઈમરજન્સી લેન્ડિંગ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
તમામ મુસાફરો સુરક્ષિત, ટર્મિનલમાં ખસેડાયા
મળતી માહિતી અનુસાર, ફ્લાઈટમાં ધમકીની જાણ થતાં જ એરપોર્ટ પ્રશાસન અને સિક્યુરિટી એજન્સીઓ એલર્ટ મોડ પર આવી ગઈ હતી. ફ્લાઈટનું સુરક્ષિત લેન્ડિંગ કરાવ્યા બાદ તેને આઈસોલેશન બે પર ઊભી રાખવામાં આવી હતી. ત્યારબાદ પ્રોટોકોલ મુજબ તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢીને સ્પેશિયલ બસ મારફતે એરપોર્ટ ટર્મિનલ બિલ્ડિંગમાં ખસેડવામાં આવ્યા હતા.
ફાયર બ્રિગેડ અને સુરક્ષા એજન્સીઓ દોડી આવી
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને એરપોર્ટ પર ફાયર વિભાગની 3 ગાડીઓ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. BDDS (બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ) અને ફાયર વિભાગના અધિકારીઓએ ફ્લાઈટ, મુસાફરોના સામાન અને કાર્ગો એરિયાની કલાક સુધી સઘન તપાસ હાથ ધરી હતી.
કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળી, તપાસ તેજ
પ્રાથમિક તપાસ બાદ ફ્લાઈટમાંથી કોઈ જ શંકાસ્પદ કે વાંધાજનક વસ્તુ મળી આવી નથી, જેથી પ્રશાસને રાહતનો શ્વાસ લીધો છે. આ ધમકી ક્યાંથી અને કયા કારણોસર આપવામાં આવી હતી તે અંગે સુરક્ષા એજન્સીઓ દ્વારા સાયબર સેલની મદદથી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. હાલમાં એરપોર્ટ પર મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તમામ જરૂરી તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે.




