Gujarat

ટેકનિકલ કોર્સીસઃ ૩૦ જુલાઈ સુધીમાં પ્રવેશ,૧લી ઓગસ્ટથી શૈક્ષણિક સત્ર

By GS Team
24 Mar 20222 mins read
This article was originally published on 24 Mar 2022
ટેકનિકલ કોર્સીસઃ ૩૦ જુલાઈ સુધીમાં પ્રવેશ,૧લી ઓગસ્ટથી શૈક્ષણિક સત્ર

અમદાવાદ

ઈજનેરી-ફાર્મસી સહિતના ટેકનિકલ કોર્સીસમાં આગામી શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ના પ્રવેશ પ્રક્રિયા માટે ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન દ્વારા શીડયુલ જાહેર કરવામા આવ્યુ છે.જે મુજબ ૩૦મી જુલાઈ સુધીમાં ટેનિકલ કોર્સમાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરાશે અને ૧લી ઓગસ્ટથી શૈક્ષણિક સત્ર શરૃ થશે.

ધો.૧૨ સાયન્સ પછીના ઈજનેરી-ફાર્મસી સહિતના યુજી ટેકનિકલ કોર્સીસમાં પ્રવેશ પ્રક્રિયા માટેનું શિડયુલ દર વર્ષે ટેકનિકલ કાઉન્સિલ દ્વારા જાહેર કરવાનું છે જે મુજબ જે તે રાજ્યમાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરવાની હોય છે અને એકેડમિક ટર્મ શરૃ કરવાની હોય છે. શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ માટે ટેકનિકલ કાઉન્સિલે જાહેર કરેલા સંભવિત કાર્યક્રમ મુજબ પ્રવેશ ફાળવણીનો પ્રથણ રાઉન્ડ ૩૦ જુન પહેલા પૂર્ણ કરવાનો રહેશે તેમજ બીજો એડમિશન રાઉન્ડ ૧૦ જુલાઈ પહેલા અને ત્રીજો અને અંતિમ રાઉન્ડ ૨૦ જુલાઈ પહેલા પુૂર્ણ કરવાનો રહેશે. જ્યારે ખાલી રહેતી વેકેન્ટ ક્વોટાની બેઠકો પર કોલેજોએ ૩૦મી જુલાઈ સુધીમાં પ્રવેશ આપી પ્રક્રિયા પૂર્ણ કરી દેવાની રહેશે.જ્યારે ૧લી ઓગસ્ટથી શૈક્ષણિક સત્ર શરૃ કરાશે.

ટેકનિકલ કાઉન્સિલ દ્વારા ૧૦ એપ્રિલ સુધી કોલેજોને મંજૂરી કે નામંજૂરી માટેની પ્રક્રિયા પૂર્ણ કરી દેવાશે અને ૧૫મે સુધીમાં રાજ્ય સરકાર અને યુનિવર્સિટી દ્વારા એફિલિએશન મંજૂર કરવાની કે નામંજૂર કરવાની પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે.મહત્વનું છે કે ટેકનિકલ કાઉન્સિલ દ્વારા આ સંભવિત કાર્યક્રમ જાહેર કરવામા આવ્યો છે પરંતુ આ કાર્યક્રમ મુજબ ૨૦૨૨-૨૩ના વર્ષ માટે પ્રક્રિયા પૂર્ણ કરવી મુશ્કેલ થશે.કારણકે ગુજરાત બોર્ડની પરીક્ષાઓ આ વર્ષે મોડી શરૃ થઈ રહી છે અને જેના પરિણામ મેના અંત સુધીમાં જાહેર થશે તેમજ સેન્ટ્રલ બોર્ડની પરીક્ષાઓ ૨૮મી એપ્રિલથી શરૃ થનાર છે.પરિણામો મોડા આવતા ત્યારબાદ રજિસ્ટ્રેશન સહિતની પ્રક્રિયામાં મોડુ થાય તેમ હોવાથી કાઉન્સિલે આગળ નવો સુધારેલો કાર્યક્રમ જાહેર કરી મુદ્ત વધારવી પણ પડી શકે છે.