- સારવાર અર્થે તારાપુર, કરમસદ બાદ અમદાવાદ ખસેડાયો હતો
- ચેકબુકમાં મળેલી સ્યુસાઈડ નોટમાં નામના ઉલ્લેખ સાથે આક્ષેપ, તારાપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી
તારાપુર : અમદાવાદના ઘોડાસર વિસ્તારમાં રહેતા એક યુવાને વ્યાજખોરોના ત્રાસથી કંટાળી જઈને ઝેરી દવા પી આત્મહત્યા કર્યાની ચોંકાવનારી ઘટના સામે આવ્યો છે. આ મામલે મૃતકની પત્ની દ્વારા તારાપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ફરિયાદી વર્ષાબેન પંચાલ (ઉં.વ.૩૦, રહે. ઘોડાસર, અમદાવાદ) પોતાના પતિ જીગ્નેશભાઈ પંચાલ સાથે રહેતા હતા અને ઘરકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. જીગ્નેશભાઈ અગાઉ પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતા હતા, પરંતુ હાલમાં વાયરમેન તરીકે કામ કરતા હતા. નોંધાયેલી ફરિયાદ મુજબ, જીગ્નેશભાઈએ ધંધા માટે પોતાના ઓળખીતાઓ કુણાલ પંડિત અને અંકિત પટેલ નામના વ્યક્તિઓ પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા. આ બંને વ્યક્તિઓ દ્વારા વારંવાર ઉઘરાણી કરી દબાણ કરવામાં આવતું હોવાથી જીગ્નેશભાઈ માનસિક તણાવમાં રહેતા હતા, તેવો ફરિયાદમાં આક્ષેપ કરાયો છે.
તા.૨૬ માર્ચના રોજ સવારે જીગ્નેશભાઈ પોતાનું બાઇક લઈને ઘરેથી નીકળ્યા બાદ મોડી રાત સુધી ઘરે પરત ફર્યા ન હતા અને ફોન પણ બંધ આવતો હતો. આજુ બાજુ સોસાયટીમાં પણ તપાસ કરી છતાં કોઈ ભાળ મળી ન હતી. જેથી વર્ષાબેને પિયર ગોલાણા(ખંભાત) મુકામે તપાસ કરતા તેમના મમ્મીએે જણાવ્યું હતું કે, જીગ્નેશભાઈ ગોલાણા(ખંભાત) આવ્યા હતા અને બાઇક મૂકી જતા રહ્યાં છે.
ત્યારબાદ તા. ૨૭ માર્ચે સાંજે એમ્બ્યુલન્સ દ્વારા માહિતી મળી કે, જીગ્નેશભાઈએ ઝેરી દવા પી લીધી છે અને તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પ્રથમ તારાપુર સરકારી દવાખાને અને બાદમાં કરમસદની શ્રી કૃષ્ણ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. અંતે વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન ગતરોજ તેમનું મોત નિપજ્યું હતું.
જીગ્નેશભાઈની સારવાર દરિમયાન તેમના થેલાની તપાસ કરતા સેલ્ફોસ દવાની પડીકી અને ચેકબુકમાં લખાયેલી સ્યુસાઇડ નોટ મળી આવી હતી. આ નોટમાં મૃતકે કુણાલ પંડિત અને અંકિત પટેલ પાસેથી વ્યાજે લીધેલા નાણાં બાબતે વારંવાર ફોન કરી ઉઘરાણી કરી ત્રાસ અપાતો હોવાનો ઉલ્લેખ કર્યો હતો. મૃતક જીગ્નેશભાઈની પત્ની વર્ષાબેન પંચાલની ફરિયાદના આધારે તારાપુર પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


