અમદાવાદ: સાબરમતી નદીમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો, મૃતકની ઓળખ માટે પોલીસે હાથ ધરી કાર્યવાહી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad News: અમદાવાદ શહેરના સાબરમતી રિવરફ્રન્ટ વિસ્તારમાંથી વધુ એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. શુક્રવારે(12 જૂન) સવારે નદીના પટમાંથી આશરે 35 થી 40 વર્ષના એક યુવકની લાશ મળી આવી હતી. રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સાબરમતી નદીમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો
પોલીસના જણાવ્યા અનુસાર, 12 જૂનના રોજ સવારે 10 વાગ્યાની આસપાસ સાબરમતી નદીમાં સરદાર બ્રિજથી આંબેડકર બ્રિજ વચ્ચેના ભાગમાં એક પુરુષનો મૃતદેહ તરતો હોવાની માહિતી મળી હતી. ઘટનાની જાણ થતાં જ રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને સ્થાનિક લોકો તેમજ ફાયર બ્રિગેડની મદદથી મૃતદેહને નદીની બહાર કાઢ્યો હતો.
શરીર પર ઈજાના કોઈ ચિહ્નો નથી
પ્રાથમિક તપાસમાં મૃતક યુવકના શરીર પર કોઈ દેખીતી ઈજા કે ગુનાહિત હુમલો થયો હોવાના નિશાન મળી આવ્યા નથી. શંકાસ્પદ જેવું કંઈ ન જણાતા પોલીસે હાલ પૂરતો અકસ્માતે મોતનો ગુનો દાખલ કર્યો છે. સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મૃતદેહને ઓળખ માટે હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં સાચવી રાખવામાં આવ્યો છે.
પોલીસ અત્યારે શહેર અને આસપાસના જિલ્લાના પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલી લાપતા વ્યક્તિઓની વિગતો ચકાસી રહી છે. રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સબ-ઇન્સ્પેક્ટર અને તેમની ટીમે જાહેર જનતાને અપીલ કરી છે કે, જો કોઈને આ ઉંમરના ગુમ થયેલા પુરુષ અથવા આ ઘટના અંગે કોઈ પણ માહિતી હોય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરે. જેથી મૃતકની ઓળખ થઈ શકે અને તેના પરિવાર સુધી પહોંચી શકાય.









