Get The App

અમદાવાદ: નારોલમાં ધોરણ 12માં ઓછા ટકા આવતા વિદ્યાર્થિનીનો ફાંસો ખાઈ આપઘાત

Updated: May 5th, 2026

GS TEAM

Google News
Google News
અમદાવાદ: નારોલમાં ધોરણ 12માં ઓછા ટકા આવતા વિદ્યાર્થિનીનો ફાંસો ખાઈ આપઘાત 1 - image


Ahmedabad Student Death After Class 12 Result: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-12નું પરિણામ જાહેર થયા બાદ એક હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. શહેરના નારોલ વિસ્તારમાં રહેતી એક વિદ્યાર્થિનીએ પરીક્ષામાં અપેક્ષા કરતા ઓછા ટકા આવવાના કારણે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાની ઘટના સામે આવી છે.

શું છે સમગ્ર ઘટના?

મળતી વિગતો અનુસાર, નારોલના ગંગોત્રી નગર વિસ્તારમાં આવેલા ઉમંગ ફ્લેટમાં આ દુ:ખદ ઘટના બની હતી. ગઈકાલે (ચોથી મે) સાંજે પાંચથી છ વાગ્યાની આસપાસ વિદ્યાર્થિનીએ પોતાના જ ઘરે આપઘાત કરી લીધો હતો. ધોરણ 12ની પરીક્ષામાં ઓછું પરિણામ આવતા વિદ્યાર્થિની માનસિક રીતે ભાંગી પડી હતી. જોકે, વિદ્યાર્થિનીના પિતાએ તેને પરિણામ બાબતે કોઈ ઠપકો આપ્યો ન હતો કે કશું કહ્યું ન હતું. તેમ છતાં, ઓછા ટકા આવવાથી તેને મનમાં જ લાગી આવ્યું હતું અને તેણે આ અંતિમ પગલું ભર્યું હતું.

પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. એક તેજસ્વી કારકિર્દીના ઉંબરે ઉભેલી યુવતીના આવા પગલાથી સમગ્ર વિસ્તારમાં અને શિક્ષણ જગતમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.

બોર્ડના પરિણામની સ્થિતિ

ઉલ્લેખનીય છે કે, ગત ચોથી મેના રોજ ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. આ વર્ષે વિજ્ઞાન પ્રવાહનું 84.33% અને સામાન્ય પ્રવાહનું 92.71% પરિણામ નોંધાયું છે.