Get The App

અમદાવાદમાં આજે RE-NEET પરીક્ષા, 23 કેન્દ્રો પર કડક સુરક્ષા અને ડ્રોન સર્વેલન્સ દ્વારા નજર રખાશે

Updated: Jun 21st, 2026

GS TEAM

Google News
Google News
અમદાવાદમાં આજે RE-NEET પરીક્ષા, 23 કેન્દ્રો પર કડક સુરક્ષા અને ડ્રોન સર્વેલન્સ દ્વારા નજર રખાશે 1 - image

RE-NEET Exam: આજે દેશભરમાં મેડિકલ પ્રવેશ માટેની RE-NEET પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત ગુજરાતમાં પણ સંપૂર્ણ તૈયારીઓ સાથે આ પરીક્ષા લેવાશે. સમગ્ર રાજ્યમાંથી કુલ 77 હજાર જેટલા વિદ્યાર્થીઓ આ RE-NEET પરીક્ષા આપવા જઈ રહ્યા છે. જેમાં ખાસ કરીને અમદાવાદ શહેરની વાત કરીએ તો, તંત્ર દ્વારા 23 જેટલા પરીક્ષા કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે, જ્યાં 10 હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

પ્રથમ વખત મળશે 15 મિનિટનો વધારાનો સમય

આ વખતની NEET પરીક્ષામાં વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે, જેમાં પરીક્ષાર્થીઓને પ્રથમ વખત 15 મિનિટનો વધારાનો સમય ફાળવવામાં આવ્યો છે. આથી હવે પેપર લખવા માટે વિદ્યાર્થીઓને કુલ 3:15 કલાકનો સમય મળશે. પરીક્ષા આપવા જતા તમામ ઉમેદવારો માટે કેટલાક નિયમો ફરજિયાત બનાવવામાં આવ્યા છે, જે મુજબ વિદ્યાર્થીઓએ પોતાનું RE-NEET એડમિટ કાર્ડ, પાસપોર્ટ સાઈઝનો ફોટો અને એક અધિકૃત ID કાર્ડ સાથે રાખવું આવશ્યક છે. આ ઉપરાંત, ઉમેદવારોની સુવિધા અને પરીક્ષા સંબંધિત કોઈપણ મદદ કે ફરિયાદ માટે તંત્ર દ્વારા 011-40759000 હેલ્પલાઈન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે.

ઉમેદવારો માટે ખાસ માર્ગદર્શિકા અને હેલ્પલાઇન

પરીક્ષામાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ અટકાવવા અને પારદર્શિતા જાળવવા માટે NTAની ગાઈડલાઈન મુજબ સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પરીક્ષા કેન્દ્ર પર વિદ્યાર્થીઓને કડક બાયોમેટ્રિક વેરિફિકેશન પ્રક્રિયામાંથી પસાર થયા બાદ જ પ્રવેશ આપવામાં આવશે. પ્રશ્નપત્રોની સુરક્ષા માટે જીપીએસ ટ્રેકિંગ સિસ્ટમ સાથેના વાહનોમાં જ પેપર કેન્દ્રો સુધી પહોંચાડવામાં આવશે. આ સાથે જ, તમામ કેન્દ્રો પર સીસીટીવી કેમેરા અને પોલીસ દ્વારા સતત સર્વેલન્સ કરવામાં આવશે, તેમજ કેન્દ્ર અને તેની આસપાસના વિસ્તારોમાં ડ્રોન દ્વારા પણ ચાંપતી નજર રાખવામાં આવશે.

પરીક્ષા અનુસંધાનમાં પોલીસનું જાહેરનામું

RE-NEET પરીક્ષા શાંતિપૂર્ણ  માહોલમાં યોજાઇ તે માટે પોલીસ કમિશનર જી એસ મલિક દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. જેમાં જણાવ્યું છે કે, પરીક્ષાના કેન્દ્રો અને તેના 100 મીટરની ત્રિજ્યામાં આવેલો વિસ્તાર પ્રતિબંધિત રહેશે. તેમજ પરીક્ષા કેન્દ્રોની આસપાસના એક કિલોમીટરની ત્રિજ્યાના વિસ્તારમાં કોપી સેન્ટર અને દુકાનો પર પણ પ્રતિબંધ મુકાયો છે. પરીક્ષાના કેન્દ્રોની આસપાસ ચાર કે તેથી વધારે લોકોને એકઠા થવા પર, લાઉડ સ્પીકર વગાડવા પર પણ પ્રતિબંધ રહેશે. આ ઉપરાંત પરીક્ષા કેન્દ્રની આસપાસ વાહનો પાર્ક કરી શકાશે નહીં. આ ઉપરાંત, પરીક્ષા સ્થળ પર સક્ષમ અધિકારી સિવાયના વિદ્યાર્થીઓ, શિક્ષકોને મોબાઇલ ફોન, અન્ય ઇલેક્ટ્રીક ગેટેઝ્ટ લઇ જવા પર પણ પ્રતિબંધ મુકાયો છે.