Gujarat

અમદાવાદ: ચેઇન સ્નેચિંગ કરતા બે રીઢા ગુનેગાર ઝડપાતા 6 ગુના ઉકેલાયા, મંદિર-દેરાસર વિસ્તારમાં શોધતા હતા ટાર્ગેટ

By GS TEAM
20 Jun 20262 mins read
TukuTouch Logo
અમદાવાદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ઝોન-1ની ટીમે વહેલી સવારે મંદિરો અને જૈન દેરાસરોમાંથી દર્શન કરીને પરત ફરતા લોકોને નિશાન બનાવતી એક રીઢા ગુનેગારોની ગેંગનો પર્દાફાશ કર્યો છે. પોલીસે બે સ્નેચર્સની ધરપકડ કરીને ચેઈન સ્નેચિંગના 6 મોટા ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો છે. આ સાથે જ ચોરાયેલા દાગીના ખરીદનારી એક મહિલાને ફરાર જાહેર કરી તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: ચેઇન સ્નેચિંગ કરતા બે રીઢા ગુનેગાર ઝડપાતા 6 ગુના ઉકેલાયા, મંદિર-દેરાસર વિસ્તારમાં શોધતા હતા ટાર્ગેટ

Ahmedabad Police Solve Chain Snatching Cases: અમદાવાદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ(LCB) ઝોન-1ની ટીમે વહેલી સવારે મંદિરો અને જૈન દેરાસરોમાંથી દર્શન કરીને પરત ફરતા લોકોને નિશાન બનાવતી એક રીઢા ગુનેગારોની ગેંગનો પર્દાફાશ કર્યો છે. પોલીસે બે સ્નેચર્સની ધરપકડ કરીને ચેઇન સ્નેચિંગના 6 મોટા ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો છે. આ સાથે જ ચોરાયેલા દાગીના ખરીદનારી એક મહિલાને ફરાર જાહેર કરી તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

નવરંગપુરાની ઘટના બાદ LCB એક્શનમાં આવી

આ સફળતાની શરૂઆત નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એક કેસથી થઈ હતી. આઠમી મે 2026ના રોજ સવારે મીઠાખળી જૈન દેરાસરથી દર્શન કરીને ઘરે પરત ફરી રહેલી એક મહિલાને વૈદેહી એપાર્ટમેન્ટ નજીક બાઇક સવાર બે બદમાશોએ આંતરી હતી. બાઇક પાછળ બેઠેલા શખ્સે મહિલાના ગળામાંથી સોનાની ચેઇન આંચકી લીધી હતી અને બંને ફરાર થઈ ગયા હતા. શહેરમાં વહેલી સવારે વધતા સ્નેચિંગના બનાવોને ગંભીરતાથી લઇને LCB ઝોન-1ની ટીમે આ મામલે સઘન તપાસ શરૂ કરી હતી.


પોલીસે 500થી વધુ CCTV કેમેરા ખંખાડ્યા

આરોપીઓ સુધી પહોંચવા માટે પોલીસ અધિકારીઓએ શહેરના વિવિધ વિસ્તારોના 500થી વધુ સીસીટીવી(CCTV) કેમેરાના ફૂટેજ તપાસ્યા હતા. ફૂટેજ પરથી કડી મળી હતી કે સ્નેચિંગ કર્યા બાદ શંકાસ્પદો પાલડી અને નારાયણ નગર વિસ્તાર તરફ ભાગી રહ્યા છે. પોલીસ ટીમે આ વિસ્તારમાં આશરે 10 દિવસ સુધી સતત વોચ ગોઠવી, દેખરેખ રાખી હતી. આખરે ચોક્કસ બાતમી મળતા જ પોલીસે બંને આરોપીઓને દબોચી લીધા હતા. 

ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ 44 વર્ષીય પંકજ શંકરલાલ પરમાર જે મૂળ રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના વતની છે અને ઉદયપુર 38 વર્ષીય લક્ષ્મણસિંહ ચૌહાણ તરીકે થઈ છે. નાના ચિલોડાની રહેવાસી આશાબહેન ઠક્કરને પણ વોન્ટેડ આરોપી જાહેર કરી છે. આ મહિલા પર આરોપ છે કે તે આ લૂંટારુઓ પાસેથી ચોરીના સોનાના દાગીના સસ્તા ભાવે ખરીદતી હતી. પોલીસ હાલ તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો: અમદાવાદ: સાબરમતીમાં ધોળે દિવસે ચેન સ્નેચિંગ, બાઈક સવાર બે ગઠિયા સોનાની ચેન ઝૂંટવી ફરાર

ગુજરાતના વિવિધ વિસ્તારોના 6 ગુનાઓ કબૂલ્યા

પોલીસની કડક પૂછપરછમાં આરોપીઓએ અમદાવાદના નવરંગપુરા, સાબરમતી, શાહીબાગ, રાણીપ, મણિનગર અને ખોખરામાં આચરેલા ગુનાઓની કબૂલાત કરી છે. 

પોલીસે આ કાર્યવાહી દરમિયાન આરોપીઓ પાસેથી કુલ 2.81 લાખ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ રિકવર કર્યો છે. પોલીસ રૅકોર્ડ અનુસાર, પકડાયેલા અને વોન્ટેડ તમામ આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ છે. પંકજ પરમાર સામે અમદાવાદ અને સુરતમાં લૂંટ, ચેઇન સ્નેચિંગ અને ચોરીના ઓછામાં ઓછા 10 ગુનાઓમાં સંડોવાયેલો છે. લક્ષ્મણસિંહ ચૌહાણ અગાઉ લૂંટના ગુનામાં ઝડપાઈ ચૂક્યો છે. જ્યારે આશાબહેન સામે પણ છેતરપિંડી, ચોરી, લૂંટ અને ચોરાયેલી મિલકત રાખવાના અનેક કેસો અગાઉ નોંધાઈ ચૂક્યા છે.

હાલ પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે આ ગેંગે અમદાવાદ સિવાય અન્ય કયા જિલ્લાઓમાં સ્નેચિંગની ઘટનાઓને અંજામ આપ્યો છે અને બાકીનો ચોરાયેલો મુદ્દામાલ ક્યાં સગેવગે કર્યો છે.