Get The App

અમદાવાદ: સાબરમતીમાં ધોળે દિવસે ચેન સ્નેચિંગ, બાઈક સવાર બે ગઠિયા સોનાની ચેન ઝૂંટવી ફરાર

Updated: May 9th, 2026

GS TEAM

Google News
Google News
અમદાવાદ: સાબરમતીમાં ધોળે દિવસે ચેન સ્નેચિંગ, બાઈક સવાર બે ગઠિયા સોનાની ચેન ઝૂંટવી ફરાર 1 - image


Ahmedabad Chain Snatching Case: અમદાવાદ શહેરમાં ધોળે દિવસે લૂંટ અને ચેન સ્નેચિંગની ઘટનાઓથી નાગરિકોમાં ફફડાટ ફેલાયો છે. સાબરમતી વિસ્તારમાં આઠમી મેના રોજ સવારે દૂધ લેવા નીકળેલા એક યુવકને નિશાન બનાવી બાઈક સવાર બે અજાણ્યા શખસો 60,000 રૂપિયાની કિંમતની સોનાની ચેન અને હીરાનું પેન્ડલ આંચકીને નાસી છૂટ્યા હતા.

જોણ શું છે સમગ્ર મામલો

સાબરમતીના રામનગર વિસ્તારમાં રહેતા અને બોપલ રોડ પર કાપડના શો-રૂમમાં નોકરી કરતા મોક્ષાર્થ પ્રવિણચંદ્ર વોરા સાથે આ લૂંટની ઘટના બની છે. ગત સવારે આશરે સવા નવ વાગ્યાની આસપાસ મોક્ષાર્થભાઈ સ્મૃતિ મંદિર પાછળ આવેલા પાર્લરથી દૂધ લઈને પરત ફરી રહ્યા હતા. સ્મૃતિ મંદિરના પાછળના ગેટ પાસે પાછળથી કાળા કલરની બાઈક પર બે ગઠિયાઓ આવ્યા હતા. તેમણે તક જોઈને યુવકના ગળામાંથી 5.070 ગ્રામની સોનાની ચેન અને હીરાનું પેન્ડલ ઝૂંટવી લીધું હતું.

આ પણ વાંચો: અમદાવાદમાં એક્સપ્રેસ હાઈવે નજીક તોડબાજી કરતા બે ટ્રાફિક પોલીસ કર્મચારી સસ્પેન્ડ

ગણતરીની સેકન્ડોમાં આરોપીઓ પલાયન

અચાનક થયેલા આ હુમલાથી મોક્ષાર્થભાઈ ગભરાઈ ગયા હતા અને તેમણે બૂમાબૂમ કરી મૂકી હતી. જોકે, ગઠિયાઓ પોતાની પૂરઝડપે બાઈક હંકારીને ગણતરીની સેકન્ડોમાં ત્યાંથી પલાયન થઈ ગયા હતા. ભોગ બનનાર યુવકે આસપાસના સીસીટીવી ફૂટેજ પણ તપાસ્યા હતા, પરંતુ બાઈકનો નંબર સ્પષ્ટપણે ટ્રેસ થઈ શક્યો નહોતો.

આ ઘટના બાદ મોક્ષાર્થભાઈએ પોતાના પિતરાઈ ભાઈ સાથે સાબરમતી પોલીસ મથકે પહોંચી અજાણ્યા શખસો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. સાબરમતી પોલીસે લૂંટનો ગુનો નોંધી, વિસ્તારના વિવિધ સીસીટીવી કેમેરાના ફૂટેજ એકત્રિત કરીને પલ્સર સવાર ગઠિયાઓને પકડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.