Chhota Udaipur

ગજબ એન્જિનિયરિંગ: છોટા ઉદેપુરના મોધલામાં ₹2 કરોડના ખર્ચે બનાવ્યો અધૂરો પુલ, નદી પટમાં પૂરો થતા બ્રિજથી હાલાકી

By GS Team
12 Nov 20263 mins read
TukuTouch Logo
છોટા ઉદેપુરના નસવાડી તાલુકાના મોધલા ગામે ₹2 કરોડના ખર્ચે બનેલો અશ્વિન નદી પરનો પુલ અધૂરો રહેતા વાહનચાલકો અને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. પુલની લંબાઈ ઓછી હોવાથી તેનો છેડો નદીના પટમાં જ પૂરો થાય છે. ચોમાસામાં પાણી ફરી વળતા એપ્રોચ રોડ ધોવાઈ જાય છે. આશરે 40 વર્ષ બાદ બનેલા આ પુલના અધૂરા કામથી બોડેલી અને નસવાડી તાલુકાના અનેક ગામોના લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગજબ એન્જિનિયરિંગ: છોટા ઉદેપુરના મોધલામાં ₹2 કરોડના ખર્ચે બનાવ્યો અધૂરો પુલ, નદી પટમાં પૂરો થતા બ્રિજથી હાલાકી

Chhota Udepur Modhla Bridge Incomplete: છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના મોધલા ગામે અશ્વિન નદી પર બે કરોડ રૂપિયાથી વધુના ખર્ચે પુલ બનાવવામાં આવ્યો છે. જો કે, નસવાડી પંચાયત માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓની બેદરકારીના કારણે આ પુલ વાહનચાલકો અને ખેડૂતો માટે મુશ્કેલીનું કારણ બન્યો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.

મોધલા ગામે ₹2 કરોડના ખર્ચે પુલ બનાવ્યો એ પણ અધૂરો!

પુલના એસ્ટિમેટ બનાવતી વખતે નદીના પટની લંબાઈનો પૂરતો અંદાજ લેવામાં ન આવ્યો હોવાના કારણે પુલની લંબાઈ ઓછી રાખવામાં આવી છે. પરિણામે, હાલ પુલનો છેડો નદીના પટમાં જ પૂરો થઈ જાય છે. જેના કારણે વાહનચાલકોને પુલ પર ચઢવા અને ઊતરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ખાસ કરીને ચોમાસાની ઋતુમાં નદીના પાણી પુલની આસપાસ ફરી વળે છે અને પુલના એપ્રોચ રોડનું ધોવાણ થાય છે. આમ, બે કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કર્યા બાદ પણ પુલનું કામ અધૂરું રહી ગયું હોવાની સ્થિતિ જોવા મળી રહી છે.

તંત્રની કામગીરી સામે સવાલો

નસવાડી તાલુકાના મોધલા ગામે આશરે 40 વર્ષ બાદ અશ્વિન નદી પર પુલનું નિર્માણ થયું છે. પરંતુ જે પુલ ગામના લોકો માટે સુવિધા બનવો જોઈએ, તે જ પુલ મુશ્કેલીનું કારણ બની રહ્યો છે. છોટા ઉદેપુર જિલ્લા પંચાયતના કાર્યપાલક ઇજનેર તેમજ નસવાડી પંચાયત માર્ગ અને મકાન વિભાગના જવાબદાર અધિકારીઓની કામગીરી સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે.

મોધલા ગામના ખેડૂતોના ખેતરો નદીના સામેના કિનારે આવેલા છે. ખેડૂતો જ્યારે ખેતીમાં પકવેલો કપાસ, મકાઈ અને અન્ય પાક ટ્રેક્ટરમાં ભરીને પોતાના ઘરે લઈ જાય છે, ત્યારે પુલના ઢાળવાળા ભાગ પર ટ્રેક્ટર ચઢાવવામાં ભારે મુશ્કેલી પડે છે. ઘણી વખત ટ્રેક્ટર પાછળ સરકી જાય છે, જેના કારણે ટ્રેક્ટર પલટી મારવાની ભીતિ પણ રહે છે. ઉતરતી વખતે પણ ટ્રેક્ટરના પૈડા સ્લિપ થવાની સમસ્યાને પગલે દુર્ઘટના સર્જાવાની શક્યતા રહે છે.

બે તાલુકાને જોડતા પુલના અધૂરા કામથી સ્થાનિકોને હાલાકી

બોડેલી અને નસવાડી તાલુકાના અનેક ગામોને જોડતા માર્ગ પર આ પુલ આવેલો હોવાથી અહીં વાહનોની અવરજવર પણ વધુ રહે છે. આવી સ્થિતિમાં પુલનું યોગ્ય આયોજન કર્યા વિના નિર્માણ કરવામાં આવ્યું હોવાના આક્ષેપો વચ્ચે સ્થાનિક લોકો અને ખેડૂતોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.

સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે, રાજ્ય સરકાર દ્વારા વારંવાર જણાવવામાં આવે છે કે અધિકારીઓની બેદરકારી કે ભૂલ હોય તો તેની જાણ કરવામાં આવે. પરંતુ છોટા ઉદેપુર જિલ્લામાં આ પ્રકારની ગંભીર ક્ષતિઓ સામે આવતી હોવા છતાં જવાબદાર ઉચ્ચ અધિકારીઓ સ્થળ તપાસ કરવા પણ આવતા નથી.

હવે સવાલ એ ઊભો થાય છે કે, 2 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે બનેલા આ પુલની ખામીઓ માટે જવાબદાર કોણ? શું જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી થશે? અને સૌથી મહત્ત્વની વાત એ છે કે ખેડૂતો તથા વાહનચાલકોની મુશ્કેલી દૂર કરવા પુલની લંબાઈ અને એપ્રોચ રોડનું યોગ્ય સમારકામ ક્યારે કરવામાં આવશે? હવે તંત્ર આ સમસ્યાનો ઉકેલ લાવે અને ખેડૂતોને સુરક્ષિત અવરજવરની સુવિધા આપે તેવી સ્થાનિક લોકોની માગ છે.