Gujarat

૬૦ વર્ષની ઉમરના લોકોને ગાર્ડની નોકરી પર રાખીને નિયમોનો ભંગ

By GS TEAM
7 Sep 20252 mins read
૬૦ વર્ષની ઉમરના લોકોને ગાર્ડની નોકરી પર રાખીને નિયમોનો  ભંગ

અમદાવાદ, રવિવાર

શહેરમાં સોસાયટીની સુરક્ષા જળવાઇ રહે તે માટે ખાનગી સિક્યોરીટી કંપનીઓ દ્વારા ગાર્ડ પુરા પાડવામાં આવે છે. પરંતુ, શહેરની મોટાભાગની સોસાયટીઓમાં સિક્યોરીટી ગાર્ડ તરીકે કામ કરતા વ્યક્તિની ઉમર ૬૦  વર્ષથી વધુ હોય છે. જેના કારણે સોસાયટીમાં સુરક્ષાને લગતો મુદ્દો ફળીભુત  થતો નથી. અમદાવાદ પોલીસ દ્વારા રાતના સમયે પેટ્રોલીંગ દરમિયાન જ્યારે સોસાયટીમાં તપાસ કરવામાં આવી ત્યારે આ બાબત સામે આવતા ગભીર નોંધ લેવામાં આવી છે. ત્યારે આગામી દિવસોમાં પોલીસ દ્વારા માહિતી એકત્ર કરીને ગંભીર બેદરકારી દાખવતી સિક્યોરીટી કંપનીઓના સંચાલક વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે  પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવે છે. સાથેસાથે શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી સોસાયટીઓમાં સુરક્ષા જળવાઇ રહે તે માટે ખાનગી સિક્યોરીટી એજન્સીઓની મદદથી સિક્યોરીટી ગાર્ડને નોકરી પર રાખવામાં આવે છે. પરંતુ, પોલીસ દ્વારા રાતના સમયે પેટ્રોલીંગ દરમિયાન સોસાયટીઓમાં તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે અનેક સોસાયટીઓમાં  નોકરી કરતા સિક્યોરીટી ગાર્ડની ઉમર ૬૦થી વધારે હતી અને તે શારિરીક રીતે  સક્ષમ પણ નહોતા.  જેથી શહેરના પશ્ચિમ વિસ્તારની કેટલીક સોસાયટીમાં સિક્યોરીટી ગાર્ડની નોકરીની બાબતે બહાર આવેલી  ગભીર બાબતના અનુસંધાનમાં રિપોર્ટ તૈયાર કરીને નિયમ વિરૂદ્ધ સિક્યોરીટી ગાર્ડની નિમણૂંક કરનાર સિક્યોરીટી એજન્સીઓ અને તેમના સંચાલકો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવનાર છે.

સામાન્ય રીતે નિયમ છે કે કોઇ સિક્યોરીટી ગાર્ડ હોય તેનું ફીટનેશ યોગ્ય હોવું જોઇએ. આ માટે મેડીકલ સર્ટિફિકેટ જોઇએ. પરંતુ, સિક્યોરીટી કંપનીના સંચાલકો તબીબો સાથે મિલીભગતનો ઉપયોગ કરીને ખોટા મેડીકલ સર્ટિફિકેટ મેળવી લેતા હોય છે. ત્યારબાદ તેને આધાર બનાવીને નિયમ વિરૂદ્ધ કામગીરી કરે છે. 

આ ઉપરાંત,  સોસાયટીઓની પણ જવાબદારી છે કે તેમને ત્યાં સિક્યોરીટી એજન્સીઓ દ્વારા નિમણૂંક કરવામાં આવતા ગાર્ડની વધારે ઉમર હોય અને શારીરિક રીતે પુરતા સક્ષમ ન હોય તો તેમને બદલવા માટે ખાસ તાકીદ કરવી જોઇએ. જેથી સોસાયટીમાં યોગ્ય સુરક્ષા જળવાઇ રહે.

સિક્યોરીટી કંપનીઓ દ્વારા કાગળ પર વધારે પગાર બતાવીને ઓછા નાણાં ચુકવવામાં આવે છે

અમદાવાદ ઉપરાંત, અન્ય શહેરોમાં સક્રિય સિક્યોરીટી એજન્સીઓ  સિક્યોરીટી  વિવિધ સોસાયટીઓમાં, ઇવેન્ટમાં અને અન્ય પ્રસંગે પુરા સિક્યોરીટી ગાર્ડ પુરા પાડવાનું કામ કરે છે. પરંતુ, તે પૈકી મોટાભાગની સિક્યોરીટી એજન્સીઓ તેમને ત્યાં નોકરી કરતા ગાર્ડનું આર્થિક શોષણ પણ કરે છે. જેમાં તે સોસાયટી પાસેથી પ્રતિ સિક્યોરીટી ગાર્ડનો માસિક ૧૫ હજાર કે તેથી વધારાનો પગાર લઇને સિક્યોરીટી ગાર્ડને વાઉચર પર માત્ર આઠ થી દશ હજાર રૂપિયા ચુકવે છે અને આમ તેને પુરતો પગાર નહી આપીને શોષણ કરે છે. એટલું જ નહી દરેક ગાર્ડને પ્રતિદિન બાર કલાક ઉપરાંત નોકરી કરવાની ફરજ પાડવામાં આવે છે. પરંતુ, આર્થિક મુશ્કેલી ન પડે તે માટે મોટાભાગના ગાર્ડ ઓછા પગારમાં  વધારે સમય કામ કરે છે. ત્યારે આ અંગે તપાસ કરવામાં આવે તો અનેક સિક્યોરીટી કંપની પર તવાઇ આવી શકે તેમ છે.